<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા મહેસૂલ વિભાગ સજ્જ : અડાલજ ત્રિમંદિર ખાતે 5 થી 7 મે દરમિયાન યોજાશે ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર-2026’

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં લેન્ડ ગવર્નન્સનો રોડમેપ તૈયાર થશે : અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિના નેતૃત્વમાં જમીન વહીવટમાં આધુનિક ટેકનોલોજી અને પારદર્શિતા પર મુકાશે વિશેષ ભાર

ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકારે કમર કસી છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી તા. 5 થી 7 મે, 2026 દરમિયાન અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય 'ચિંતન શિબિર'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. “વિઝન 2030: ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય” થીમ પર આધારિત આ શિબિરમાં રાજ્યના મહેસૂલી માળખાને વધુ પારદર્શક અને સુદ્રઢ બનાવવા પર મનોમંથન કરવામાં આવશે.

ઉચ્ચસ્તરીય માર્ગદર્શન હેઠળ ભવિષ્યનો રોડમેપ તૈયાર થશે

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવા માટે મહેસૂલ વિભાગનો સચોટ રોડમેપ તૈયાર કરવો અનિવાર્ય છે. આ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડશે. રાજ્યના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓ વહીવટી અડચણો દૂર કરી નાગરિકકેન્દ્રી શાસન વ્યવસ્થા ઉભી કરવા માટે ચર્ચા કરશે.

ડિજિટલ ગવર્નન્સ અને નવીન ટેકનોલોજી પર વિશેષ ભાર

આ શિબિર દરમિયાન જમીન વહીવટમાં ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે વિવિધ મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે પેપરલેસ પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, ઓનલાઇન કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને જનસેવામાં જવાબદારી વધારવા જેવા મુદ્દાઓ સામેલ છે. જમીન માપણી (Survey/Re-survey) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આધુનિક વ્યૂહરચનાઓ ઘડવામાં આવશે. ડિજિટલ ગવર્નન્સના માધ્યમથી નાગરિકોને અપાતી સેવાઓમાં ઝડપ અને પારદર્શિતા લાવવી એ આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો આપશે માર્ગદર્શન

આ ચિંતન શિબિરમાં માત્ર સરકારી અધિકારીઓ જ નહીં, પરંતુ દેશની નામાંકિત સંસ્થાઓ જેવી કે ISRO, BISAG-N, IIT, IIM, IGNOU અને સર્વે ઓફ ઇન્ડિયાના નિષ્ણાતો પણ સહભાગી થશે. વિવિધ ગ્રુપ ડિસ્કશન અને કેસ સ્ટડીઝ દ્વારા જ્ઞાનનું આદાન-પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત, અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ અને કાયદાકીય નિષ્ણાતો સાથે પરામર્શ કરી શ્રેષ્ઠ વહીવટી પદ્ધતિઓ અપનાવવામાં આવશે.

વહીવટી સુધારાઓ દ્વારા ક્રાંતિકારી પરિવર્તનનો ધ્યેય

મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના દિશાનિર્દેશ હેઠળ યોજાનારી આ શિબિરમાં અગાઉના સેમિનારોમાં થયેલી કાર્યવાહીની પણ સમીક્ષા કરવામાં આવશે. શિબિરના અંતે મહેસૂલ વિભાગ માટે એક સ્પષ્ટ અને અમલી બનાવી શકાય તેવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. આ પહેલથી રાજ્યના લેન્ડ ગવર્નન્સમાં મોટા પાયે સુધારા આવશે અને સામાન્ય જનતાનો સરકારી તંત્ર પરનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.

(3:44 PM IST)