<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

અમદાવાદમાં રેંટિયા બારસે ‘મોટીવેશનલ મહાત્મા’ કાર્યક્રમનું આયોજન : જેન-ઝી અને ગાંધી-ગિરી વચ્ચેના સંબંધો કંડારાશે

કર્ણાવતી કલા કેન્દ્ર અને ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે એચ. કે. કોલેજ હૉલ ખાતે યોજાશે ફ્રી એન્ટ્રી શો : દીપક અંતાણી ગાંધીજીના સ્વરૂપે રજૂ થઈ પ્રેક્ષકો સાથે સંવાદ સાધશે

અમદાવાદ: ગાંધીજીની તિથી પ્રમાણે જન્મજયંતી એટલે કે 'રેંટિયા બારસ'ની ઉજવણી નિમિત્તે ૭ ઓક્ટોબર, ૨૦૨૬ - બુધવારના રોજ અમદાવાદ ખાતે 'મોટીવેશનલ મહાત્મા : જેન-ઝી અને ગાંધી-જી' નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 'કર્ણાવતી કલા કેન્દ્ર' દ્વારા આશ્રમ રોડ સ્થિત શ્રી ગુજરાત વિદ્યાસભા - ભદ્રંભદ્ર વાડી ટ્રસ્ટના એચ. કે. કોલેજ હૉલના સ્થળ સહયોગથી રાત્રે સાડા આઠ વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં સાર્વજનિક પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.

વર્તમાન સમયમાં ગાંધીગીરીનું આચરણ કેવી રીતે કરી શકાય અને ગાંધીજી ચિંધ્યા માર્ગે સ્વચ્છ તથા સ્વસ્થ સમાજનું ઘડતર કેવી રીતે થઈ શકે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. મહાત્મા ગાંધીજીની ભૂમિકા ભજવવા માટે ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ’ અને ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન પામનાર જાણીતા કલાકાર દીપક અંતાણી ગાંધીજીના સ્વરૂપે ઉપસ્થિત રહીને લોકો સાથે સંવાદ કરશે. તેમની સાથે આયોજક જીગર રાણા વાતોનું મંચન કરશે, જ્યારે મલય વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ સંગીત વૃંદ દ્વારા ગાંધી-ગીતોનું ક્લબિંગ રજૂ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, ગુજરાત વિદ્યાસભા ટ્રસ્ટના ધીરેન અવાસીયા તથા સમસ્ત ગુજરાત નાગર પરિષદના પ્રમુખ સુભાષ ભટ્ટ વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. આ ઉપરાંત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર યોગેશ નિર્ગુડે (IAS)એ પણ કાર્યક્રમ સફળ રહે તે માટે શુભકામનાઓ પાઠવી છે.

વર્તમાન યુવાપેઢી સત્ય, અહિંસા, પ્રેમ અને ક્ષમા જેવા મૂલ્યો અપનાવીને જીવનમાં યોગ્ય નિર્ણયો લઈ શકે તે માટે ગાંધીજીના જીવનપ્રસંગો દ્વારા સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડવાનો આ નમ્ર પ્રયાસ છે. અગાઉ અમદાવાદ, અસલાલી, પોરબંદર અને ગાંધીનગરમાં આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ગાંધીજીના "વિશ્વમાં જે પરિવર્તન તમે જોવા માંગો છો, તેની શરૂઆત પોતાનાથી કરો" ના સંદેશ સાથે આ કાર્યક્રમ પ્રેક્ષકોને સ્વ-રાજ નિર્માણ તરફ પ્રેરિત કરશે. (અહેવાલ - મુકેશ પંડિત)

(3:02 PM IST)