તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 8th September 2026
ગુજરાતમાં કોડીનયુક્ત દવાઓના ગેરકાયદેસર વેચાણ અને ગેરઉપયોગ સામે તંત્રની લાલ આંખ : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરાઈ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી ત્રાટકેલી ટીમ દ્વારા રૂ. ૮૩ લાખથી વધુનો માલ જપ્ત : ૭ પેઢીઓને કારણદર્શક નોટિસ ફટકારાઈ અને કલોલની હેલ્થ પોઈન્ટ ફાર્માનો દવા વેચાણનો પરવાનો રદ કરાયો

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ગુજરાતમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ, અનધિકૃત સંગ્રહ તથા વેચાણ પર સંપૂર્ણ નિયંત્રણ લાવવાના હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ (Special Drive) હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આપવામાં આવેલી સખત સૂચનાઓ અન્વયે ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સમગ્ર રાજ્યમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ સ્પેશ્યલ ડ્રાઈવ દરમિયાન બાલાજી ફાર્મા સહિતની વિવિધ પેઢીઓમાંથી રૂ. ૮૩ લાખથી વધુની કિંમતનો પ્રતિબંધિત ઔષધીય જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગંભીર ક્ષતિઓ દાખવનારી ૭ પેઢીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે અને એક પેઢીનો પરવાનો કાયમી ધોરણે રદ કરી દેવાયો છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ કામગીરી સંદર્ભે સ્પષ્ટ કર્યું હતું કે તંત્ર દ્વારા કોડીનયુક્ત દવાઓના અનધિકૃત વેચાણ અને દુરુપયોગ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવવામાં આવી રહી છે. નિયમોનો ભંગ કરનારી કોઈપણ પેઢી સામે કાયદાકીય જોગવાઈ મુજબ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રજાના આરોગ્યના વ્યાપક હિતમાં આવી દવાઓનો ઉપયોગ માત્ર કાયદેસર રીતે અને માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન દ્વારા જ થાય તે સુનિશ્ચિત કરવા રાજ્યભરમાં તપાસ અને મોનિટરિંગની આ કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
સ્પેશ્યલ ડ્રાઈવ દરમિયાન વિવિધ જિલ્લાઓ અને પેઢીઓ સામે કરાયેલી વિગતવાર કાર્યવાહી:
આ અભિયાન હેઠળ અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ-૧ તથા મહેસાણા જિલ્લામાં હોલસેલ અને રિટેલ વેપારીઓના ખરીદ-વેચાણ, સંગ્રહ તથા વિતરણના દસ્તાવેજી રેકોર્ડની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં નીચે મુજબના આકરા પગલાં લેવાયા છે:
* બાલાજી ફાર્મા (અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગર): અહીંથી કોડીન ઘટક ધરાવતી Rexton-T Syrup ની કુલ ૩૭,૭૬૨ બોટલો મળી આવી હતી, જેની એમઆરપી રૂ. ૨૨૦ પ્રતિ બોટલ લેખે કુલ અંદાજિત કિંમત રૂ. ૮૩,૦૭,૬૪૦ થાય છે. આ જથ્થાનો આગળ ઉપયોગ કે વેચાણ ન થાય તે માટે તેને સ્થગિત (Prohibited) કરવામાં આવ્યો છે. પૃથ્થકરણ અર્થે નિયત પ્રક્રિયા મુજબ નમૂના લેવાયા છે. પેઢી દ્વારા મુખ્યત્વે આવી જ દવાઓનો વેપાર થતો હોવાનું ખુલતાં કારણદર્શક નોટિસ ફટકારાઈ છે.
* હેલ્થ પોઇન્ટ ફાર્મા (કલોલ, ગાંધીનગર): તા. ૩૧/૦૮/૨૦૨૬ ના રોજ કરાયેલી તપાસમાં સામે આવેલી ક્ષતિઓ અંગે નોટિસ અપાઈ હતી. પેઢી દ્વારા આપવામાં આવેલો ખુલાસો અસંતોષકારક જણાતાં તેનો દવા વેચાણનો પરવાનો રદ કરાયો છે.
* જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ (અમદાવાદ-૧): તપાસ દરમિયાન કોડીનયુક્ત R Tuss TD Syrup ની ૫૭ બોટલો (કિંમત રૂ. ૯,૦૦૬) નો જથ્થો મળી આવતાં તેને વેચાણ અર્થે પ્રતિબંધિત કરાયો છે અને ખુલાસો માંગતી નોટિસ પાઠવવામાં આવી છે.
* ફાર્માલિન લાઇફસાયન્સીસ (ચાંગોદર, અમદાવાદ ગ્રામ્ય): ખરીદ-વેચાણના બિલો તથા અન્ય વહીવટી ક્ષતિઓ બદલ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
* રેઇન રેમેડીઝ (સાંતેજ, અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગર): કોડીનયુક્ત દવાઓના ખરીદ-વેચાણના હિસાબોમાં ક્ષતિઓ જણાતાં કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.
* કેપિટલ ફાર્મા (વિસનગર, મહેસાણા): મુખ્યત્વે કોડીનયુક્ત દવાનો વેપાર કરતી આ પેઢી સામે પણ રેકોર્ડ અને બિલોની અનિયમિતતાઓ બદલ નોટિસ ઇશ્યૂ કરાઈ છે.
* HRDM ગ્લોબલ સોલ્યુશન્સ (અમદાવાદ-૧): તપાસ દરમિયાન જણાયેલી વહીવટી ખામીઓ અંગે નોટિસ આપીને ખુલાસો મંગાયો છે.
* કૃષ્ણા ફાર્મા (કઠવાડા, અમદાવાદ-૧): તપાસમાં ખુલેલી બાબતો અન્વયે કારણદર્શક નોટિસ પાઠવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.
તંત્ર દ્વારા તમામ પેઢીઓના ખરીદ-વેચાણ સંબંધિત દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી ચાલુ રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ કડક આનુષાંગિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
