<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

રમપમ ધોધ ફરી બન્યો મોતનો ધોધ: ધાણીખૂંટ ગામે 20 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત

ચેતવણી છતાં જોખમ યથાવત : રમપમ ધોધે વધુ એક પરિવારનો દીવો બુઝાવ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામના 20 વર્ષીય યુવકનું નેત્રંગ તાલુકાના ધાણીખૂંટ ગામ નજીક આવેલા રમપમ ધોધ ખાતે ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી રમપમ ધોધ પર વારંવાર બનતી દુર્ઘટનાઓ છતાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે ફરી એક નિર્દોષ યુવાનનો ભોગ લેવાયો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
  મળતી માહિતી અનુસાર અબ્દુલ વાહિમ અબ્દુલ હકિમ શાહ (ઉ.વ. 20) ( રહે. અંસાર માર્કેટ, ભડકોદ્રા, તા. અંકલેશ્વર, જી. ભરૂચ) પોતાના મિત્ર સાથે રમપમ ધોધ ખાતે ફરવા આવ્યો હતો. ધોધ નીચે આવેલા પથ્થરો પરથી વહેતા પાણીમાં થઈને સામે કિનારે જવાનો પ્રયાસ કરતી વખતે તેનો પગ અચાનક લપસી જતાં તે સીધો ઊંડા પાણીના ખાડામાં ખાબક્યો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને સાથીદારો દ્વારા તેને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે નેત્રંગ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલાં જ હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
સુરક્ષા વ્યવસ્થાની માંગ ઉગ્ર
રમપમ ધોધ ખાતે છેલ્લા થોડા સમય દરમિયાન ડૂબી જવાના અનેક બનાવો સામે આવ્યા છે. વરસાદી મોસમ શરૂ થતાં અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે, પરંતુ જોખમી વિસ્તારોમાં પૂરતા ચેતવણી બોર્ડ, સુરક્ષા રેલિંગ, લાઇફગાર્ડ તેમજ પ્રવેશ નિયંત્રણની વ્યવસ્થા ન હોવાના કારણે વારંવાર દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે.
સ્થાનિક ગ્રામજનો અને સામાજિક આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે કે રમપમ ધોધને "હાઇ રિસ્ક ઝોન" જાહેર કરી તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે, જેથી ભવિષ્યમાં વધુ કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય.
પ્રશ્ન એ છે કે...દર વર્ષે બનતી આવી દુર્ઘટનાઓ બાદ પણ તંત્ર ક્યારે જાગશે? રમપમ ધોધ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનશે કે હજુ વધુ જીવ ગુમાવ્યા બાદ કાર્યવાહી થશે?

(10:00 PM IST)