<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

રાજપીપળા વન વિભાગની કાર્યવાહી: ૯ 'પાટલા ઘો સાથે એક શિકારી ઝડપાયો, ૪ શિકારીઓ ફરાર

વન્ય પ્રાણી સંરક્ષણ શિડ્યુઅલ-૧ ના ભંગ બદલ આરોપીની કોર્ટે જામીન અરજી ફગાવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા રેન્જ ફોરેસ્ટની ટીમે જંગલ વિસ્તારમાંથી વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ પ્રતિબંધિત અને લુપ્ત થતી પ્રજાતિ 'પાટલા ઘો' નો શિકાર કરનાર એક શિકારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા શિકારી ને અદાલતમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેની જામીન અરજી ના મંજૂર કરી જેલભેગો કરવા આદેશ કર્યો છે.
મળતી માહિતી મુજબ, રાજપીપળાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.જે. વાંદા અને તેમની ટીમ નાંદોદ તાલુકાના આમલેથા નજીક આવેલા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. વન વિભાગની ટીમ પેટ્રોલિંગ પૂર્ણ કરી જંગલની બહાર નીકળી રહી હતી, તે દરમિયાન થેલી અને મોટા રૂમાલ સાથે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા ૦૫ ઈસમો વનકર્મીઓની નજરે ચડ્યા હતા.
વન વિભાગની ટીમે શંકાના આધારે તેમને અટકાવવાનો પ્રયાસ કરતા જ ૦૪ ઈસમો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જ્યારે સણદરા ગામનો બારીયા મોવાશી વસાવા નામનો શિકારી વન વિભાગના હાથે ઝડપાઈ ગયો હતો.
ઝડપાયેલા આરોપીની થેલી અને રૂમાલની તપાસ કરતા તેમાંથી શિકાર કરાયેલી હાલતમાં ૦૯ નંગ 'પાટલા ઘો મળી આવ્યા હતા. વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં, આ તમામ આરોપીઓએ રિઝર્વ ફોરેસ્ટના કમ્પાઉન્ડમેન્ટ નંબર ૧૧૦માં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને માત્ર પોતાના ખોરાક માટે શિકાર કર્યો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવ્યું હતુ.
પાટલા ઘો એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમની શિડ્યુલ-૧ અંતર્ગત આવતું સંરક્ષિત વન્ય પ્રાણી છે, જેનો શિકાર કરવો એ ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો બને છે. ફોરેસ્ટ ઓફિસર એચ.જે. વાંદા એ પકડાયેલા આરોપી બારીયા મોવાશી વસાવા અને અન્ય ૪ ફરાર શિકારીઓ વિરુદ્ધ વન્યજીવ ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા, સરકારી વકીલની ધારદાર દલીલો અને વન્યજીવના સંરક્ષણની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના જામીન ના મંજૂર કર્યા છે. હાલ વન વિભાગ ફરાર અન્ય ચાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

(10:57 PM IST)