News of Friday, 4th September 2026
રાજકોટ IB ના PSI અશોકભાઈ ગીડા અને રાજકોટ ગ્રામ્યના અરવિંદસિંહ જાડેજા સહિત રાજ્યના ૧૩ PSI ને PI તરીકે બઢતી : DGP જી. એસ. મલિકનો સત્તાવાર હુકમ
ખાતાકીય બઢતી સાથે ૧૩ અધિકારીઓની હંગામી ટ્રાન્સફર : સારો દેખાવ કરનારની કદર અને ગેરરીતિ સામે કડક પગલાંની રાજ્ય પોલીસ વડાનો સ્પષ્ટ મેસેજ

રાજકોટ : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તથા વહીવટી પ્રક્રિયાને વેગ આપવાના હેતુથી ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા (DGP) જી. એસ. મલિક દ્વારા ૩ સપ્ટેમ્બરના રોજ સત્તાવાર આદેશ જારી કરીને ૧૩ બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ (PSI) ને પોલીસ ઈન્સ્પેક્ટર (PI) તરીકે બઢતી આપવામાં આવી છે. આ બઢતી સાથે જ DGP જી. એસ. મલિકે સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે સારો દેખાવ કરનાર અધિકારીઓની કદર કરવામાં આવશે અને ગુનેગારો સાથે નાતો રાખનારાઓ સામે આકરાં પગલાં લેવામાં અચકાશે નહીં.
બઢતી મેળવનાર ૧૩ અધિકારીઓ અને તેમની નવી નિમણૂંક:
ગાંધીનગર સ્થિત પોલીસ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ, બઢતી પામેલા તમામ ૧૩ અધિકારીઓની વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં હંગામી ધોરણે બદલી કરવામાં આવી છે:
૧. જનકસિંહ આર. રાણા: રાજકોટ શહેરથી કચ્છ પૂર્વ-ગાંધીધામ
૨. પ્રવિણસિંહ એન. પઢિયાર: સુરત શહેરથી રાજકોટ શહેર
૩. હનિફભાઈ ડી. હિંગરોજા: જામનગરથી જૂનાગઢ (PI તરીકે)
૪. સુરેશકુમાર એન. બારીયા: છોટાઉદેપુરથી અમદાવાદ શહેર
૫. દીલાવરસિંહ પી. સોલંકી: અમદાવાદ શહેરથી પંચમહાલ
૬. અશોકભાઈ બી. ગીડા: ઇન્ટેલીજન્સથી ઇન્ટેલીજન્સ (PI તરીકે)
૭. મુળરાજસિંહ એસ. રાણા: બનાસકાંઠાથી વાવ-થરાદ
૮. રમેશભાઈ કે. વાણીયા: સ્ટેટ કંટ્રોલ રૂમ (DGP કચેરી) થી એસ.સી.આર.બી. (SCRB)
૯. હિંમતકુમાર એન. આજરા: ખેડાથી અમદાવાદ શહેર
૧૦. સુરેશભાઈ બી. સોલંકી: બોટાદથી દાહોદ
૧૧. અરવિંદસિંહ બી. જાડેજા: રાજકોટ ગ્રામ્યથી કચ્છ પશ્ચિમ-ભુજ
૧૨. સાગરદાન કે. ગઢવી: એસ.સી.આર.બી. (SCRB) થી વડોદરા શહેર
૧૩. મુજીબ જે. ઘાંઘલ: રાજકોટ શહેરથી સુરેન્દ્રનગર (PI તરીકે)
પગાર ધોરણમાં મોટો ફાયદો:
બઢતી મેળવનારા બિન-હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર્સ (Class-3) જેઓ અત્યાર સુધી Level-7 (રૂ. ૩૯,૯૦૦ થી ૧,૨૬,૬૦૦) ના પગાર ધોરણમાં ફરજ બજાવતા હતા, તેઓને હવે પોલીસ ઈન્સ્પેક્ટર (Class-2) તરીકે Level-8 (રૂ. ૪૪,૯૦૦ થી ૧,૪૨,૪૦૦) નો પગાર લાભ મળવાપાત્ર થશે.
બઢતી માટેની કડક શરતો અને નિયમો:
આ બઢતીના અમલ માટે વિભાગ દ્વારા કેટલીક કડક શરતો પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. બઢતી મેળવનાર અધિકારી સામે કોઈ પણ પ્રકારની ખાતાકીય તપાસ, શો-કોઝ નોટિસ, ચાર્જશીટ કે કોર્ટ કેસ પડતર હોવો જોઈએ નહીં. ભૂતકાળમાં શિક્ષાત્મક પગલાં લેવાયેલા હશે તો બઢતીનો હુકમ રદ કરવામાં આવશે. આ ઉપરાંત, તમામ અધિકારીઓ પાસે નિર્ધારિત તારીખોનું માન્ય LMV ડ્રાઈવિંગ લાયસન્સ અને સરકાર માન્ય સંસ્થામાંથી CCC+ પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે. પ્રમાણપત્ર અમાન્ય ઠરશે તો અધિકારીને મૂળ હોદ્દા પર પરત મોકલી (Demote કરી) કાયદેસરની કાર્યવાહી કરાશે.
નવી જગ્યાએ હાજર થવામાં આનાકાની કે વિલંબ કરનાર સામે શિસ્તભંગના પગલાં ભરી તેમની સેવાપોથી અને ખાનગી અહેવાલમાં ગંભીર નોંધ લેવાશે. ભવિષ્યમાં વહીવટી જરૂરિયાત અથવા સીધી ભરતીના પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપલબ્ધ થતાં, સેવા ક્રમમાં સૌથી છેલ્લે રહેલા અધિકારીઓને મૂળ હોદ્દા (PSI) પર પરત મોકલવાની શરતે આ બઢતી આપવામાં આવી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
