<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

આજથી ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ શરૂ થઈ જશે : 23 થી 25 જૂન દરમિયાન ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં આવી પહોંચશે : 21 થી 23 દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ભારે ઉકળાટ વર્તાશે, જે ચોમાસાના આગમનનો સંકેત આપશે : અંબાલાલ પટેલ

ચોમાસાની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા : આ વિસ્તારોમાં ચાર ઈંચથી પણ વધુ ભારે વરસાદ ખાબકશે : પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી પૂરેપૂરી સંભાવના : હવામાન નિષ્ણાંતની આગાહી

અમદાવાદ તા.૨૦ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 23 થી 25 જૂન દરમિયાન ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં આવી પહોંચશે. જોકે, તે પહેલાં 21 થી 23 જૂન દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ભારે ઉકળાટ વર્તાશે, જે ચોમાસાના આગમનનો સંકેત આપશે. આજથી જ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ શરૂ થઈ જશે.

 

ચોમાસાની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આ વિસ્તારોમાં ચાર ઈંચથી પણ વધુ ભારે વરસાદ ખાબકી શકે છે. આ ગાળા દરમિયાન પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે.

 

ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વાવણી લાયક વરસાદ 28 જૂન પછી શરૂ થશે. 28 જૂનથી બંગાળના ઉપસાગરમાંથી આવતો ભેજ ગુજરાતમાં સારો વરસાદ લાવશે. પાટણ, સમી, હારીજ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ નોંધાશે.

 

મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર, વડોદરા તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં, જો આદ્રા નક્ષત્રમાં ખાડા અને તળાવ ભરાય તેવો વરસાદ થશે, તો 7 જૂલાઈ પછી રાજ્યની નદી-નાળા છલકાય જાય તેવો પૂરજોશમાં વરસાદ પડી શકે છે.

રાજ્યના હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાની સંભાવના વ્યક્ત કરી છે. ચોમાસાની એન્ટ્રીની ચોક્કસ તારીખ અને તેની અસર કયા વિસ્તારમાં સૌથી વધુ રહેશે તે અંગે અંબાલ પટેલે વિસ્તૃત માહિતી આપી છે.

ખેડૂતો અને નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે હવામાનની આગાહી મુજબ આયોજન કરે અને ભારે વરસાદના સમયે બિનજરૂરી મુસાફરી ટાળે.

(1:31 PM IST)