તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Monday, 21st September 2026
અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા તેમજ તીવ્ર પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ
ગોતા, વૈષ્ણોદેવી, ઈસ્કોન, વસ્ત્રાપુર, બોડકદેવ, બોપલ, શેલા અને થલતેજ સહિતના મોટા ભાગના પોશ વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા તૂટી પડ્યા

અમદાવાદ શહેરમાં આજે બપોર બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યો અને સમગ્ર શહેરમાં આહલાદક વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયથી બફારા અને અસહ્ય ગરમીથી અકળાયેલા અમદાવાદીઓ માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. બપોર બાદ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં વીજળીના કડાકા-ભડાકા તેમજ તીવ્ર પવન સાથે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર શરૂ થઈ ગઈ હતી.
ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના એસ.જી. હાઈવે પરના વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ જોવા મળ્યો હતો. ગોતા, વૈષ્ણોદેવી, ઈસ્કોન, વસ્ત્રાપુર, બોડકદેવ, બોપલ, શેલા અને થલતેજ સહિતના મોટા ભાગના પોશ વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા તૂટી પડ્યા હતા. ગોતા વિસ્તારમાં તો ઠંડા પવન સાથે અનરાધાર વરસાદ પડતાં ક્ષણવારમાં રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ધોધમાર વરસાદને લીધે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી લોકોએ મોટી રાહત અનુભવી હતી.
બીજી તરફ શહેરના મધ્ય અને પૂર્વ પશ્ચિમના વિસ્તારો જેવા કે પાલડી, એલિસબ્રિજ, ખોખરા અને હાટકેશ્વરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલડી વિસ્તારમાં ટૂંકા સમયમાં જ ભારે વરસાદ પડવાના કારણે રોડ રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્તા જનજીવનમાં એક નવી તાજગીનો સંચાર થયો છે. વરસાદના કારણે બાળકો અને યુવાનો રસ્તાઓ પર ભીંજાવાની મજા માણતા નજરે પડ્યા હતા. વાતાવરણમાં પ્રસરેલી ઠંડકના કારણે ઘરોમાં એસી અને પંખાની જરૂરિયાત ઘટી ગઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાદળછાયા વાતાવરણ અને ભેજના કારણે આગામી સમયમાં પણ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
