News of Saturday, 20th June 2026
યોગમય બની રેલવે: અમદાવાદ મંડળની અનોખી પહેલ, હવે મુસાફરો 4 ‘વંદે ભારત’ ટ્રેનમાં પણ કરી શકશે યોગાભ્યાસ
પશ્ચિમ રેલવે દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી; ટ્રેનની મુસાફરી દરમિયાન મુસાફરો મેળવશે સ્વાસ્થ્યનો મંત્ર, સાબરમતી અને કાંકરિયા સહિતના રેલવે ઈન્સ્ટિટ્યૂટમાં પણ ખાસ આયોજન

અમદાવાદ,: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ના અવસર પર પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. પરંપરાગત રીતે મેદાન કે હોલમાં થતી યોગની ઉજવણીને હવે રેલવેએ એક ડગલું આગળ વધીને મુસાફરીના માર્ગ પર પણ લઈ જવાનો નિર્ણય કર્યો છે. મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશના માર્ગદર્શન હેઠળ, આ વર્ષે માત્ર સ્ટેશનો કે રેલવે પરિસરો જ નહીં, પરંતુ દેશની પ્રતિષ્ઠિત ‘વંદે ભારત’ ટ્રેનોમાં પણ મુસાફરો યોગના સુર સંગમ સાથે પોતાની મુસાફરીને સ્મરણીય બનાવશે.
અમદાવાદ મંડળ દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત સાબરમતીના સામુદાયિક ભવન અને ઓલ્ડ રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કાંકરિયા રેલવે ઇન્સ્ટિટ્યૂટ તેમજ ગાંધીધામ અને વિરમગામના સામુદાયિક ભવનમાં મુખ્ય યોગ સત્રો યોજાશે. આ તમામ સ્થળોએ રેલવે કર્મચારીઓ અને નાગરિકો સાથે મળીને સ્વસ્થ જીવનશૈલીનો સંકલ્પ લેશે. જોકે, આ વર્ષની સૌથી મોટી આકર્ષણની બાબત ચાલતી ‘વંદે ભારત’ ટ્રેનોમાં થનારા યોગ સત્રો છે.
મુસાફરોને આરામદાયક અને તંદુરસ્ત અનુભવ મળે તે માટે ચાર મુખ્ય ટ્રેનોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ (20902), સાબરમતી – જોધપુર (12462), અસારવા – ઉદયપુર (26964) અને અમદાવાદ – ઓખા (22925) વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ ટ્રેનોમાં સવાર મુસાફરો યોગ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ પોતાની સીટ પર બેસીને કરી શકાય તેવા સરળ આસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરી શકશે.
આ વર્ષની થીમ 'Yoga for Healthy Ageing' ને સાર્થક કરવા માટે પશ્ચિમ રેલવેએ કમર કસી છે. અગાઉ મહેસાણા, પાલનપુર અને અમદાવાદ જેવા મુખ્ય સ્ટેશનો પર સફળ યોગ શિબિરોનું આયોજન કર્યા બાદ, હવે અમદાવાદ મંડળ આ વૈશ્વિક અભિયાનને ટ્રેનો સુધી પહોંચાડીને જન-જનને તંદુરસ્ત જીવનનો સંદેશ આપી રહ્યું છે. રેલવે તંત્ર દ્વારા તમામ મુસાફરોને આ યોગ સત્રોમાં સહભાગી બનીને એક સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી તરફ આગળ વધવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
