News of Saturday, 19th September 2026
સુરતમાં ગંદકી કરનારાઓ સામે રેલવે તંત્ર લાલઘૂમ: સ્ટેશન પર પાન-ગુટખાની પિચકારી મારનારા ૧૦૧ મુસાફરો પાસેથી ₹૧.૦૧ લાખનો દંડ ફટકારાયો!
સ્વચ્છતા પખવાડિયા હેઠળ RPF અને કોમર્શિયલ વિભાગની ૧૨ કલાકની મેગા ડ્રાઈવ: શેરી નાટક દ્વારા મુસાફરોને જાહેર મિલકત સ્વચ્છ રાખવા કરાઈ અપીલ

સુરત : જાહેર સ્થળો, એસ.ટી. સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર પાન-મસાલા કે ગુટખા ખાઈને જ્યાં-ત્યાં પિચકારી મારી ગંદકી ફેલાવતા તત્વો સામે સુરત રેલવે સ્ટેશન પ્રશાસને કડક સપાટો બોલાવ્યો છે. 'સ્વચ્છતા પખવાડિયા' ઉજવણીના ભાગરૂપે રેલવે વિભાગના કમર્શિયલ વિભાગ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા સંયુક્ત રીતે સુરત રેલવે સ્ટેશન પર ૧૨ કલાકની સઘન મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન પ્લેટફોર્મ અને પરિસરમાં ગંદકી કરતા ૧૦૧ બેદરકાર મુસાફરોને રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી કુલ ₹૧.૦૧ લાખનો સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
રેલવે પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકો જાહેર મિલકતને નુકસાન ન પહોંચાડે તે હેતુથી હાથ ધરાયેલી આ ઝુંબેશમાં અધિકારીઓએ પ્લેટફોર્મ્સ અને પેસેન્જર એરિયા પર ચાંપતી નજર રાખી હતી. ખુલ્લેઆમ પાન-મસાલા ખાઈને થૂંકતા લોકો સામે કાયદાકીય દંડ ફટકારીને કડક સંદેશ આપવામાં આવ્યો હતો.
શેરી નાટક દ્વારા સ્વચ્છતા જાગૃતિનો સંદેશ
દંડાત્મક કાર્યવાહી સાથે સાથે મુસાફરોમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવાય તે માટે ખાસ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો. ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સના સભ્યો દ્વારા રેલવે સ્ટેશન પર જીવંત શેરી નાટક (Nukkad Natak) ભજવવામાં આવ્યું હતું. આ નાટક દ્વારા મુસાફરોને જાહેર સ્થળો સ્વચ્છ રાખવા, કચરો કચરાપેટીમાં જ નાખવા અને ગંદકી ન ફેલાવવા માટે ભાવુક અપીલ કરવામાં આવી હતી.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
