<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતિની અમદાવાદમાં ઉજવણી: દિવ્ય શોભાયાત્રામાં મુખ્યમંત્રીએ બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

મેમનગરમાં 'સેવા સિનિયર સિટીઝન ગ્રુપ'ના નેજા હેઠળ ભવ્ય શોભાયાત્રા:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા:સમગ્ર વિસ્તાર 'જય જલારામ'ના નાદથી ગુંજી ઉઠ્યો:શ્રદ્ધાળુઓએ બાપાના દર્શન અને પૂજાનો લાભ લીધો

અમદાવાદ : 'જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો' આ સૂત્રને જીવનમંત્ર તરીકે સાર્થક કરનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે 227મી જન્મજયંતિ છે. અન્નદાનનો મહિમા સમગ્ર વિશ્વમાં પ્રસરાવનાર બાપાના આ પાવન અવસરે અમદાવાદના મેમનગર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. સમગ્ર મેમનગર વિસ્તાર વહેલી સવારથી જ 'જય જલારામ'ના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. 'સેવા સિનિયર સિટીઝન ગ્રુપ'ના સભ્યોએ ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું.

આ પાવન અને ભક્તિમય અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પૂજ્ય જલારામ બાપાની પ્રતિમાના ભાવપૂર્વક દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે કામના કરી હતી. મુખ્યમંત્રીએ આયોજક 'સેવા સિનિયર સિટીઝન ગ્રુપ'ના સભ્યો તેમજ સ્થાનિક રહીશો સાથે મુલાકાત કરીને સૌને જલારામ જયંતિની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિથી શ્રદ્ધાળુઓ અને આયોજકોનો ઉત્સાહ બમણો થયો હતો.

 

 

આ શોભાયાત્રામાં મેમનગર અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ભજન-કીર્તનની રમઝટ બોલાવી હતી. જલારામ બાપાની ઝાંખી આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની હતી. રૂટ પર ઠેર-ઠેર ભક્તોએ શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે બાપાના સેવા અને અન્નદાનના આદર્શોને યાદ કરીને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

 

 

 

'સેવા સિનિયર સિટીઝન ગ્રુપ'ના વડીલોએ આ આયોજન થકી યુવા પેઢીને સેવા અને સમર્પણનો ઉત્તમ સંદેશ આપ્યો છે. મહત્વનું છે કે, જલારામ બાપાનું જીવન આજે પણ ભૂખ્યાને ભોજન અને જરૂરિયાતમંદોની સેવા કરવાની પ્રેરણા આપે છે. અમદાવાદના આંગણે ઉજવાયેલી 227મી જન્મજયંતિએ ભક્તિ, શ્રદ્ધા અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(1:13 PM IST)