News of Wednesday, 23rd September 2026
26મી સપ્ટેમ્બરે ચોથા શનિવારની જાહેર રજા રદ : ગુજરાતમા ચૂંટણી કચેરીઓ ચાલુ રહેશે
રાજ્ય ચૂંટણી આયોગનો મહત્વનો નિર્ણય: ઓખા, થરા અને ગાંધીનગર સહિતની પેટા ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે

(અશ્વિન વ્યાસ દ્વારા)ગાંધીનગર તા.૨૩ : રાજ્યમાં આગામી ઓક્ટોબર માસમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી આયોગ એક્શનમાં આવ્યું છે.ઓખા અને થરા નગરપાલિકા તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ હવે આયોગે એક અગત્યની અખબારી યાદી પ્રસિદ્ધ કરી છે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા. 26-09-2026 નિયત કરવામાં આવી છે. પરંતુ આ દિવસે ચોથો શનિવાર હોવાથી સરકારી કચેરીઓમાં જાહેર રજા* હોય છે. જેના કારણે ઉમેદવારોમાં ફોર્મ ભરવાને લઈને મૂંઝવણ ઊભી થઈ હતી.
ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે અને લોકશાહી પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે તે માટે રાજ્ય ચૂંટણી આયોગે સ્પષ્ટતા કરી છે કે,તા. 26-09-2026 ના રોજ જાહેર રજાના દિવસે પણ તમામ સંબંધિત ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની કચેરી ચાલુ રહેશે.
આ દિવસે કચેરીઓ સવારે 11:00 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવા માટે ખુલ્લી રહેશે. તમામ પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ રહેશે.
આ નિયમ ગાંધીનગર મહાનગરપાલિકા - સામાન્ય ચૂંટણી,ઓખા (દેવભૂમિ દ્વારકા) અને થરા (બનાસકાંઠા) નગરપાલિકા- સામાન્ય ચૂંટણી,3-ભાડથર જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણી,ખેરાલુ, છોટાઉદેપુર, બાયડ નગરપાલિકા વોર્ડની પેટા ચૂંટણી પડધરી, સતલાસણા અને વારાહી* તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે લાગુ પડશે.
આ અંગે સંબંધિત જિલ્લા કલેકટરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશ્નર અને પ્રાંત અધિકારીશ્રીઓને જરૂરી આદેશો આપી દેવામાં આવ્યા છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
