News of Monday, 27th April 2026
રાજ્યના વહીવટી તંત્રમાં બઢતીનો ધમધમાટ : પાંચ સંયુક્ત સચિવોને અધિક સચિવ તરીકે બઢતી આપી નવી નિમણૂક અપાઈ : વાંચો ક્યાં અધિકારીઓને મળી બઢતી
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૭ એપ્રિલના રોજ મહત્વની અધિસૂચના જારી : મહેસૂલ અને આદિજાતિ વિકાસ સહિતના વિભાગોમાં અધિકારીઓની જવાબદારીમાં ફેરફાર

ગાંધીનગર:ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલય સેવા હેઠળના સંયુક્ત સચિવ વર્ગ-૧ સંવર્ગના પાંચ વરિષ્ઠ અધિકારીઓને અધિક સચિવ વર્ગ-૧ ના પદ પર હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. ૨૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ જારી કરાયેલી આ અધિસૂચના મુજબ, બઢતી મેળવનાર અધિકારીઓને વિવિધ વિભાગોમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.
બઢતી મેળવનાર અધિકારીઓ અને તેમની નવી નિમણૂકની વિગતો:
રાજ્ય સરકારના આદેશ અનુસાર, જે અધિકારીઓને સંયુક્ત સચિવમાંથી અધિક સચિવ તરીકે પદોન્નતિ આપવામાં આવી છે તેની યાદી નીચે મુજબ છે:
આર. એચ. વસાવા: તેઓ હાલ આદિજાતિ વિકાસ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે કાર્યરત હતા, જેમને હવે તે જ વિભાગ (આદિજાતિ વિકાસ વિભાગ) માં અધિક સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે.
એમ. ડી. શાહ: તેઓ પણ આદિજાતિ વિકાસ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા, જેમને પણ તે જ વિભાગમાં અધિક સચિવ તરીકે બઢતી સાથે નિમણૂક અપાઈ છે.
એ. એચ. મનસુરી: તેઓ મહેસૂલ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવતા હતા, જેમની બઢતી બાદ નાણા વિભાગમાં અધિક સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આર. જી. ભટ્ટ: મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ આર. જી. ભટ્ટને બઢતી આપીને માર્ગ અને મકાન વિભાગમાં અધિક સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે.
એમ. MN. મોદી: વન અને પર્યાવરણ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવતા એમ. એન. મોદીને હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અધિક સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે.
પગાર ધોરણ અને વહીવટી જોગવાઈ:
આ બઢતી પામેલા અધિકારીઓને પે મેટ્રીક્સ લેવલ - ૧૩A (પગાર ધોરણ રૂ. ૧,૩૧,૧૦૦ - ૨,૧૬,૬૦૦/-) મુજબનો લાભ મળશે. સામાન્ય વહીવટ વિભાગના ૧૯૯૭ના ઠરાવની જોગવાઈ અનુસાર, આ અધિકારીઓ જે જગ્યાએ હાજર થશે તે જગ્યા તેઓ પદ ધારણ કરે ત્યાં સુધી અધિક સચિવની જગ્યા તરીકે અપગ્રેડ થયેલી ગણાશે. આ આદેશો રાજ્યપાલના હુકમથી અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા દ્વારા જારી કરવામાં આવ્યા છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
