News of Sunday, 19th April 2026
સુરતમાં રાજકીય ગરમાવો: AAP માટે દિલ્હીથી હવાલા મારફતે બ્લેક ફંડિંગ આવતું હોવાના ગંભીર ઘટસ્ફોટથી ખળભળાટ
સુરત ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસની પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના વ્યવહારો સામે આવ્યા: હવે ઈન્કમટેક્સ વિભાગની પણ એન્ટ્રી થતા તપાસનો ધમધમાટ તેજ બન્યો

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જેમાં આમ આદમી પાર્ટી (AAP) માટે દિલ્હીથી હવાલા મારફતે બ્લેક ફંડિંગ આવતું હોવાના ગંભીર ઘટસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસની પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના વ્યવહારો સામે આવ્યા છે, જે આગામી ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે મોકલવામાં આવ્યા હોવાની શંકા છે. આ મામલે હવે ઈન્કમટેક્સ વિભાગની પણ એન્ટ્રી થતા તપાસનો ધમધમાટ તેજ બન્યો છે.
સુરત પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલી તપાસમાં એક મોટા હવાલા નેટવર્કનો ખુલાસો થયો છે. મળતી વિગતો મુજબ, દિલ્હીથી આમ આદમી પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનના કથિત ભૂતપૂર્વ પીએ આકાશ મિશ્રાની આ મામલે પૂછપરછ કરવામાં આવી છે. આકાશ મિશ્રા સુરતના પીપલોદ વિસ્તારમાં રહીને દિલ્હીથી આવતા નાણાંનો હવાલો સંભાળતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, છેલ્લા પાંચ-છ મહિનામાં આંગડિયા પેઢીઓ મારફતે આશરે સવા કરોડથી વધુની રકમ સુરત મોકલવામાં આવી હતી. આ નાણાં દિલ્હીના હિમાંશુ પાહુજા દ્વારા મોકલવામાં આવતા હતા, જે અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલો હતો અને હાલ 'આપ'નો સક્રિય કાર્યકર હોવાનું કહેવાય છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP ભાવેશ રોજીયાના જણાવ્યા અનુસાર, વહેલી સવારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આકાશ મિશ્રા અને અજય તિવારી નામના શખ્સો આંગડિયા પેઢીમાંથી રૂપિયા રિસીવ કરવા જતા હોવાના CCTV ફૂટેજ પણ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં શહેરની પાંચ જેટલી આંગડિયા પેઢીઓ દ્વારા આ વ્યવહારો થયા હોવાની ઓળખ થઈ છે. આ ફંડિંગનો મુખ્ય હેતુ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાણાકીય જોરે પ્રચાર-પ્રસાર કરવાનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આ નેટવર્કમાં આઠથી દસ જેટલા લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે.
બ્લેક ફંડિંગનો ઘટસ્ફોટ થતા ઈન્કમટેક્સની પણ કેસમાં એન્ટ્રી
આ ઘટનાક્રમ બાદ રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. બ્લેક ફંડિંગ અને હવાલાના વ્યવહારોની ગંભીરતાને ધ્યાને રાખીને સુરત પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી છે અને ઈન્કમટેક્સ વિભાગને પણ આ મામલે જાણ કરી દેવામાં આવી છે. હવે IT વિભાગ આ કેસમાં જોડાઈને નાણાંના સ્ત્રોત અને તેના ઉપયોગ અંગે ઊંડી તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સુરતના અનેક મોટા ગજાના નેતાઓને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે, જેના કારણે તપાસનો રેલો શહેરના 'મોટા માથાઓ' સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે.
AAPના કથિત હવાલા કૌભાંડ અંગે DyCM હર્ષ સંઘવીએ કહ્યુ કે, AAPના દિલ્લીના નેતાના PAનું હવાલા કૌભાંડ પકડાયું છે. છેલ્લા 1 વર્ષથી દર મહિને હવાલાના રૂપિયા ગુજરાત આવતા હતા. ગુજરાતના લોકોને ઝઘડાવવામાં આ નાણા વપરાતા હતા. વધુમાં તેમણે ઉમેર્યુ કે, AAPના આ હવાલા કૌભાંડ અંગે હજુ પણ મોટા ખુલાસા થશે. ઇમાનદારીની વાતો કરતા લોકોની વાત ખુલી પડી ગઈ છે. હર્ષ સંઘવીએ સવાલ કર્યા કે શું આ વિચારો સાથે તેઓ ગુજરાતમાં કામ કરવા માટે આવ્યા છે. ગુજરાતના ભોળા નાગરિકોને ફસાવવાનો પ્રયાસ કરાયો છે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
