News of Wednesday, 15th April 2026
સુરત મનપા ચૂંટણી 2026 ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો : આશીર્વાદ વિલા સોસાયટીનો મતદાન બહિષ્કારનો નિર્ણય
ફોર્મ ખેંચવાની મુદત પૂરી થતાં અનેક બેઠકો બિનહરીફ : આશીર્વાદ વિલાના રહીશોએ પાયાની સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

સુરત તા.૧૫ : સુરત મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી માટે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય અનેક વોર્ડમાં રાજકીય સમીકરણો બદલાયા છે. ફોર્મ ખેંચવાની મુદત પૂરી થતાં અનેક બેઠકો બિનહરીફ થવાની શક્યતા ઊભી થઈ છે. બીજી તરફ સુરતના આશીર્વાદ વિલા સોસાયટીના રહીશોએ પાયાની સુવિધાઓ ન મળતાં ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લઈ વિરોધ નોંધાવ્યો છે.
સુરત મનપાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી. અનેક વોર્ડમાં વિપક્ષી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વોર્ડમાં ભાજપની મજબૂત રણનીતિ સામે કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ મેદાન છોડી દીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે આખરી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.
દરમિયાન સુરતની આશીર્વાદ વિલા સોસાયટીના રહીશોએ પાયાની સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો કે વર્ષોથી રોડ-રસ્તા, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. વારંવાર અરજીઓ અને આવેદનપત્રો આપ્યા બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવતાં નારાજ રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
સોસાયટીના આગેવાનોએ જણાવ્યું કે ચૂંટણી ટાણે નેતાઓ વચનો આપીને જતા રહે છે, પરંતુ ચૂંટણી પત્યા બાદ કોઈ ફરકતું નથી. જ્યાં સુધી સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી એક પણ મત નહીં આપવાનો ઠરાવ રહીશોએ કર્યો છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર અને તંત્રના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે. રહીશોના આ વિરોધથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
