News of Sunday, 3rd May 2026
સુરતમાં SBI માં થયેલી 50 લાખની લૂંટ મામલે પોલીસ તપાસ તેજ :બિન વરસી મળેલ ત્રણ બાઈક ચોરાઉ હોવાનું ખુલ્યું : પોલીસના પાડોશી રાજ્યોમાં ધામા
પોલીસને આશા છે કે આગામી બે દિવસમાં આ કેસમાં કોઈ મોટી સફળતા મળશે અને લૂંટાયેલી રકમ સાથે આરોપીઓ જેલના સળિયા પાછળ હશે

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં થયેલી 50 લાખ રૂપિયાની સનસનાટીભરી લૂંટના મામલે પોલીસ તપાસ તેજ બની છે. ઘટનાના છ દિવસ વીતી ગયા હોવા છતાં લૂંટારૂઓ હજુ પોલીસ પકડથી દૂર છે, પરંતુ તાજેતરમાં મળેલી કેટલીક મહત્વની કડીઓ આ ગુનાનો ભેદ ઉકેલવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે તેમ છે. સુરત પોલીસની વિવિધ ટીમો ટેકનિકલ સર્વેલન્સ અને ફિલ્ડ ઈન્વેસ્ટિગેશન દ્વારા લૂંટારૂઓ સુધી પહોંચવા માટે રાત-દિવસ મહેનત કરી રહી છે.
તપાસ દરમિયાન પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં કીમ નજીકના કન્યાસી ગામના એક ખેતરમાંથી લૂંટમાં વપરાયેલી ત્રણ બાઈકો બિનવારસી હાલતમાં મળી આવી છે. આ બાઈકોની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે કે ગુનેગારોએ લૂંટ માટે ચોરીના વાહનોનો ઉપયોગ કર્યો હતો. જેમાં એક અપાચે બાઈક તેલંગાણાથી અને એક સ્પલેન્ડર બાઈક સુરતના વરાછા વિસ્તારમાંથી જ ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ત્રીજી પલ્સર બાઈક પરથી ઓળખ ભૂંસવા માટે આરોપીઓએ તેના ચેસિસ નંબર ઘસી નાખ્યા હતા, જોકે પોલીસે એન્જિન નંબરના આધારે તેના માલિક સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.
લૂંટારૂઓની મોડસ ઓપરેન્ડી જોતા પોલીસને શંકા છે કે આ કોઈ વ્યવસ્થિત આંતરરાજ્ય ગેંગનું કામ હોઈ શકે છે. આથી, સુરત પોલીસની ટીમોએ મહારાષ્ટ્ર સહિત અન્ય પાડોશી રાજ્યોમાં પણ ધામા નાખ્યા છે. અત્યાર સુધીમાં બેંકના કર્મચારીઓ અને અન્ય શંકાસ્પદ શખ્સો સહિત કુલ 25 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, CCTV ફૂટેજ અને મળેલા વાહનોના આધારે આરોપીઓની દિશા સ્પષ્ટ થઈ રહી છે. પોલીસને આશા છે કે આગામી બે દિવસમાં આ કેસમાં કોઈ મોટી સફળતા મળશે અને લૂંટાયેલી રકમ સાથે આરોપીઓ જેલના સળિયા પાછળ હશે. હાલમાં પોલીસ લૂંટારૂઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ભાગવાના રૂટ અને તેમના સંભવિત આશ્રયસ્થાનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
