<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આક્રમક મૂડમાં : તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડને સોંપાયું સુપરવિઝન : મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની ધરપકડ બાદ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યું

કાયદા અને ટેક્નિકલ જ્ઞાન ધરાવતા એસીપી યુવરાજસિંહ ગોહિલ, ડીસીપી મયુર પાટીલ અને પીઆઈ વી.ડી. મોરીની સીટમાં નિમણૂક : ૯ નિર્દોષ લોકોનો ભોગ લેનારી ફેક્ટરી ૨૫ દિવસથી ગેરકાયદેસર ધમધમતી હોવાનો ખુલાસો : એફએસએલ રિપોર્ટ મેળવવા તજવીજ

રાજકોટ : અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટની ઘટના બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ૯ નિર્દોષ લોકોનો ભોગ લેનારી આ ગંભીર દુર્ઘટનાની તપાસને વધુ અસરકારક, વૈજ્ઞાનિક અને વ્યાપક બનાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક હાઈપાવર વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવાનો મહત્વનો આદેશ કર્યો છે. પોલીસ કમિશનર દ્વારા આ મામલે આકરા કદમ ઉઠાવીને કાયદા સાથે ઊંડાણપૂર્વકનું ટેક્નિકલ જ્ઞાન ધરાવતા એસીપી યુવરાજસિંહ ગોહિલને આ કેસમાં અત્યંત મહત્વની જવાબદારીઓ સુપ્રત કરી છે. આ હાઈપ્રોફાઈલ સીટ (SIT) નું સીધું સુપરવિઝન સેક્ટર-૨ ના જોઈન્ટ પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડને સોંપવામાં આવ્યું છે, જેના કારણે પોલીસ બેડા સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ધમધમાટ શરૂ થઈ ગયો છે.

 

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીટ તમામ કાયદાકીય અને વૈજ્ઞાનિક પાસાઓની તપાસ કરશે:

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગઠિત કરવામાં આવેલી આ વિશેષ તપાસ ટીમમાં સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન-૮ મયુર પાટીલ, એસીપી એસ ડિવિઝન યુવરાજસિંહ ગોહિલ અને રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.ડી. મોરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ ઘટનાક્રમની દરેક દિશામાં ઝીણવટભરી તપાસ કરશે. સીટ દ્વારા મુખ્યત્વે ફોરેન્સિક પુરાવા, ટેક્નિકલ માહિતી, લાયસન્સ અને મંજૂરીના દસ્તાવેજો તેમજ કાયદાકીય પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

 

આરોપી મેહુલ ડોડિયાની ફેક્ટરીના ગેરકાયદે ભાગ પર બુલડોઝરની કાર્યવાહી:

આ કેસની તપાસ અંગે વિગતો આપતા એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, બ્લાસ્ટની ઘટના જે સ્થળે ઘટી હતી તે ફેક્ટરીના ગેરકાયદેસર બાંધકામ સામે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની અગાઉ જ સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બ્લાસ્ટ સમયે આરોપી મેહુલ ડોડિયા પોતે ફેક્ટરીમાં જ હાજર હતો અને તેને પણ ઈજાઓ પહોંચી હતી, તેમ છતાં તે સારવાર લેવા કે પોલીસને જાણ કરવાના બદલે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ફરાર થયા બાદ તેણે પોતાના એક પરિચિત વ્યક્તિને ફોન કરીને બ્લાસ્ટ વાળા સ્થળે જવા કહ્યું હતું, જેથી પોલીસ હાલ તેના મોબાઈલ ડેટા અને કોલ ડિટેલ રેકોર્ડ (CDR) સહિતના પુરાવાઓ એકત્ર કરી રહી છે.

 

૪ માર્ચે બંધ કરાવેલી ફેક્ટરી ૨૫ દિવસથી ગેરકાયદેસર શરૂ કરાઈ હતી:

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ગત ૪ માર્ચે પોલીસ પ્રશાસન દ્વારા જ આ ફેક્ટરીમાં ચાલતું ફટાકડાનું યુનિટ સત્તાવાર રીતે બંધ કરાવી દેવામાં આવ્યું હતું. આમ છતાં, કાયદાના નિયમોનો સરેઆમ ભંગ કરીને છેલ્લા આશરે ૨૫ દિવસથી ફરીથી ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન ધમધમતું કરી દેવાયું હતું. આગામી સમયના ગ્રાહકોના ઓર્ડર અને એડવાન્સ બુકિંગના આધારે અહીં ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું અને જે સમયે આ પ્રચંડ બ્લાસ્ટ થયો તે સમયે પણ ફેક્ટરીમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ હોવાનું સામે આવ્યું છે.

 

૯ લોકોના મોત બાદ સમગ્ર શહેરમાં ગેરકાયદે એકમો સામે તપાસ તેજ, એફએસએલ રિપોર્ટ પર નજર:

આ ભયાનક દુર્ઘટનામાં મહિલાઓ, કિશોરીઓ અને એક ૬ વર્ષના માસૂમ બાળક સહિત કુલ ૯ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર કેસની ગંભીરતા વધી ગઈ છે. એસીપી યુવરાજસિંહ ગોહિલે વધુમાં માહિતી આપી હતી કે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમે ઘટનાસ્થળેથી જરૂરી વૈજ્ઞાનિક નમૂનાઓ એકત્ર કર્યા છે અને લેબનો રિપોર્ટ સત્વરે મેળવવા માટે તજવીજ હાથ ધરાઈ છે. આ સાથે જ જમીન કોના નામે છે, વિસ્ફોટક સામગ્રી ક્યાંથી લાવવામાં આવી હતી અને તેનો સંગ્રહ નિયમોનુસાર હતો કે નહીં તેની તપાસ સીટના વરિષ્ઠ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ ચાલી રહી છે. સીટ દ્વારા હવે સીસીટીવી ફૂટેજ અને દસ્તાવેજોની ચકાસણી કરીને કેસમાં વધુ કડક કલમો ઉમેરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે અને ગુનામાં સંડોવાયેલા અન્ય કોઈ પણ જવાબદારોને છોડવામાં નહીં આવે તેવા સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે.

(10:36 PM IST)