News of Wednesday, 17th June 2026
ડ્રગ્સ વિરોધી અભિયાનને વધુ આક્રમક બનાવવા પોલીસ વડા જી.એસ. મલિકનો ઐતિહાસિક આદેશ : માત્ર ક્રાઇમ બ્રાન્ચ કે એસઓજી નહીં, હવે તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોએ પણ એનડીપીએસ ગુના નોંધવા પડશે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારે અપનાવી ઝીરો-ટોલરન્સ નીતિ : લોકલ સ્ટેશનની હદમાં અન્ય એજન્સી ડ્રગ્સ પકડશે તો જવાબદારી નક્કી કરી કડક પગલાં લેવાશે

રાજકોટ: ગુજરાતમાં નશીલા પદાર્થોના વેપાર, હેરફેર અને દુરુપયોગની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ડામી દેવા માટે પોલીસ તંત્ર દ્વારા અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ડ્રગ્સ વિરોધી માળખાકીય વ્યવસ્થાનો વ્યાપ વધારવા અને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની અમલવારીને વધુ સઘન બનાવવા માટે ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા (DGP) જી.એસ. મલિકે તમામ પોલીસ એકમોને ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા અને ઓછી માત્રામાં કેફી પદાર્થો મળતા હોય તેવા કેસોમાં પણ કડક કાનૂની કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ આદેશ આપ્યા છે.
### સ્થાનિક પોલીસની જવાબદારી નક્કી કરાઈ:
એક મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય અંતર્ગત હવેથી NDPS ગુનાઓ શોધવાની અને તેની સામે કેસ દાખલ કરવાની જવાબદારી માત્ર ક્રાઇમ બ્રાન્ચ કે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) પૂરતી સીમિત રહેશે નહીં. રાજ્યના તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોને તેમના વિસ્તારમાં સક્રિય ભૂમિકા ભજવવા આદેશ અપાયો છે. ડ્રગ્સ વિરોધી કામગીરીને હવે સ્થાનિક સ્તરની પોલીસિંગની મુખ્ય જવાબદારીમાં સામેલ કરવામાં આવી છે. આ બેઠકમાં લેવાયેલા કડક નિર્ણય મુજબ, જો કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં અન્ય બહારની એજન્સી આવીને ડ્રગ્સનો ગુનો પકડશે, તો તે વિસ્તારના સંબંધિત પોલીસ અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેમની સામે પગલાં લેવામાં આવશે.
### સપ્લાય ચેઇન તોડવા નશાના વ્યસનીઓની પણ પૂછપરછ થશે:
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાત સરકારે નશીલા પદાર્થો સામે ઝીરો-ટોલરન્સની નીતિ અપનાવી છે. આ નીતિને સાર્થક કરવા માટે પોલીસ વડાએ ડ્રગ્સના પેડલરો અને વેપારીઓ પર ગુપ્તચર માહિતીના આધારે સતત ધોંસ બોલાવવા જણાવ્યું છે. અમલવારી દરમિયાન પકડાયેલા ડ્રગ્સના વ્યસનીઓની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે, જેથી નશીલા પદાર્થો ક્યાંથી સપ્લાય થાય છે તેની સપ્લાય ચેઇન સુધી પહોંચી શકાય, મુખ્ય સપ્લાયરોની ઓળખ કરી શકાય અને મોટા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરી શકાય.
### કાઉન્સેલિંગ, પુનર્વસન અને શ્રેષ્ઠ કામગીરી કરનારને ઇનામ:
ગુજરાત પોલીસ માત્ર કાયદાકીય કડક કાર્યવાહી કરવા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ નશાની લતથી બરબાદ થયેલા લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં પણ સહયોગ આપશે. ડ્રગ્સ વિરોધી આ મહાઅભિયાનમાં અમલવારી અને પુનર્વસન – બંને પાસાઓને સમાન મહત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ડ્રગ્સ સામેના આ અભિયાનમાં સક્રિય અને અસરકારક કામગીરીને પ્રોત્સાહન આપવા માટે જે પોલીસ કર્મચારીઓ સફળતાપૂર્વક NDPS કેસો શોધી કાઢશે અને તેની સચોટ તપાસ કરશે, તેઓને વિભાગ તરફથી યોગ્ય ઇનામો આપીને સન્માનિત કરવામાં આવશે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
