<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગરબાના આયોજનોને લઈને પોલીસ એક્શન મોડમાં: આયોજકો સાથે બેઠક :CCTV અને કંટ્રોલ રૂમ બનાવવા આદેશ

ગરબાના આયોજનોને લઈને સેંકડો અરજીઓ વચ્ચે સુરક્ષાને લઈને વ્યવસ્થા: માત્ર CCTV કે એન્ટ્રી ચેકિંગ જ નહીં, મહિલાઓ-બાળકોની સલામતીથી લઈને આકાશમાંથી નજર રાખવા સુધીનો પ્લાન

અમદાવાદ : નવરાત્રી દરમિયાન ગરબા મહોત્સવોમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસએ તૈયારીઓ તેજ કરી છે. પોલીસે ગરબા આયોજકો સાથે બેઠક યોજીને જરૂરી સુરક્ષા ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના આપી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગરબા આયોજન માટે આશરે 890 અરજીઓ મળી હોવાનું સામે આવ્યું છે.

 

ગરબા મહોત્સવ શરૂ થાય તે પહેલાં અને આયોજન દરમિયાન પોલીસની ટીમો દ્વારા વિવિધ ગરબા સ્થળોનું ચેકિંગ કરવામાં આવશે. આયોજકોને પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલી સુરક્ષા સંબંધિત ગાઇડલાઇનનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. આયોજકોએ ગરબા સ્થળે પૂરતા CCTV કેમેરા લગાવી મોનિટરિંગ માટે અલગ કંટ્રોલરૂમની વ્યવસ્થા કરવાની રહેશે. કાર્યક્રમ દરમિયાન કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે અનિચ્છનીય ઘટના બને તો તેના પર ઝડપથી કાર્યવાહી કરી શકાય તે માટે આ વ્યવસ્થા મહત્વની રહેશે.

 

 

મહિલાઓ અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગરબા સ્થળે અલગ હેલ્પ ડેસ્ક બનાવવાનું રહેશે. ઉપરાંત મહિલા અને પુરુષ બાઉન્સરની પણ વ્યવસ્થા કરવી પડશે.ગરબા સ્થળમાં પ્રવેશ વ્યવસ્થાને પણ કડક બનાવવાની સૂચના અપાઈ છે. પાસ વગરના લોકોને પ્રવેશ નહીં આપવા આયોજકોને જણાવાયું છે. આમ,એન્ટ્રી પોઇન્ટ પર ચેકિંગની જવાબદારી પણ મહત્વપૂર્ણ રહેશે.

નવરાત્રિ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ,અને સી ટીમની મદદ લેવામાં આવશે. ગરબા સ્થળો અને તેની આસપાસની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.ટ્રાફિક જામ ન સર્જાય અને વાહન વ્યવસ્થા સુચારુ રહે તે માટે આયોજકોએ ટ્રાફિક મેનેજમેન્ટ અંગેનો રિપોર્ટ પણ પોલીસને આપવાનો રહેશે. મોટી સંખ્યામાં લોકો ગરબા સ્થળોએ પહોંચતા હોવાથી પાર્કિંગ, એન્ટ્રી-એક્ઝિટ અને આસપાસના માર્ગોની વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન રહેશે.આ તમામ વ્યવસ્થાઓનું સ્થળ પર પોલીસ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે, જેથી નવરાત્રિ દરમિયાન ગરબા સુરક્ષિત માહોલમાં યોજાઈ શકે

(9:23 PM IST)