તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 22nd April 2026
આકરી ગરમીમાં રાજપીપળામાં કેટલાય વિસ્તારોમાં લો વોલ્ટેજની સમસ્યાથી લોકો ગરમીમાં શેકાયા
સ્થાનિક રહીશોની 10 વર્ષથી રજૂઆત છતાં કોણી એ ગોળ:નવા અધિકારીઓ નિકાલ લાવે તેવી લોકલાગણી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાના દરબાર રોડ સહિત કેટલાય વિસ્તારોમાં ઉનાળાની આકરી ગરમીમાં લો વોલ્ટેજ આવતા પંખા સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો તદ્દન ધીમા ચાલતા હોય લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે. ત્યારે દરબાર રોડ પારેખ ખડકીમાં ઘણા વર્ષોથી લો વોલ્ટેજની રામાયણ હોય સ્થાનિકોએ દર વર્ષે વારંવાર ફરિયાદો કરી હોવા છતાં તેનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી આજે વર્ષો બાદ પણ આ જગ્યા પર સમસ્યા યથાવત છે. આ માટે સ્થાનિક અધિકારીઓને જાણ કરતા લાઈનમેનો આવી ફક્ત વાયર આમતેમ કરી ગ્રાહકો ને સંતોષ આપવા પ્રયત્ન કરે છે. પરંતુ વર્ષો જૂની આ સમસ્યા દૂર થતી નથી અને ખાસ કરીને ઉનાળા માં મધ્યમ વર્ગના લોકો હેરાન થઈ રહ્યા છે.
ખરેખર તો શહેર માં મોટા ભાગના વિસ્તારોમાં અગાઉ કરતા બમણો વપરાશ વધ્યો હોય નવા વધુ પાવરના ટ્રાન્સફોર્મર નાંખવા જરૂરી છે છતાં આ માટે કોઈ જ કામગીરી ન કરતા વીજ કંપનીના અધિકારીઓ જાણે ગ્રાહકો સાથે ઓરમાયું વર્તન રાખી જાણી જોઈને ગરમી માં હેરાન કરતા હોઈ એમ લાગી રહ્યું છે.
લો વોલ્ટેજ ના કારણે પંખાની ગતિ અડધી થતા પાંચની ગતિ પર ફરતો પંખો જાણે એકની સ્પીડે ચાલતો જણાઈ છે જ્યારે અમુક ઘરોમાં તો કુલર કે અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો ઉપડતાજ નથી જ્યારે લોકોના એ.સી.બંધ થાય ત્યારબાદ વોલ્ટેજ બરાબર આવતા કંઈક રાહત મળે છે. માટે આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા લોકો માંગ કરી રહ્યા છે.
થોડાક સમય પહેલા રાજપીપળાના કાછીયાવાડ વિસ્તારમાં ઓવરલોડના કારણે ટ્રાન્સફોરમાં આગ લાગતા અફરા તફરી ફેલાઈ હતી, જોકે આ વિસ્તારમાં ગયા વર્ષે પણ આ જ જગ્યા એ આગની ઘટના બની હતી જેમાં ત્યાં બાંધેલા પશુઓનો આબાદ બચાવ થયો હતો. માટે રાજપીપળા શહેર ના ઘણા વિસ્તારો માં ઓવરલોડ ના કારણે લો વોલ્ટેજ અને આગની ઘટના બનતા જોખમી હોય સત્વરે આ માટે યોગ્ય કાર્યવાહી જરૂરી છે
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
