<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

IRCTC ની ભારત ગૌરવ ટ્રેનથી પંચ મહાતીર્થ દર્શન: અયોધ્યા-કામાખ્યા જવાની સોનેરી તક

એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત રાજકોટથી પ્રસ્થાન થનારી ૧૩ દિવસીય ધાર્મિક પ્રવાસ યાત્રાનું આયોજન કરાયું છે.

અમદાવાદ: ભારતીય રેલવે અને આઈઆરસીટીસી (IRCTC) દ્વારા 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અને 'દેખો અપના દેશ' અભિયાન અંતર્ગત દેશના પ્રખ્યાત ધાર્મિક સ્થળોના દર્શન માટે વિશેષ "ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા પંચ મહાતીર્થ દર્શન યાત્રા" શરૂ કરવામાં આવી છે. આ આધ્યાત્મિક યાત્રા તારીખ ૨૯ ઓગસ્ટ ૨૦૨૬ થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન (૧૨ રાત્રી અને ૧૩ દિવસ માટે) રાજકોટથી પ્રસ્થાન થશે, જેમાં ગુજરાત અને મધ્ય ભારતના વિવિધ સ્ટેશનોથી શ્રદ્ધાળુઓ ટ્રેનમાં સવાર થઈ શકશે.

આ યાત્રા દરમિયાન પ્રવાસીઓને દેશના પાંચ પવિત્ર ધામો જેમાં પુરી, કામાખ્યા મંદિર, ગયા, વારાણસી અને અયોધ્યા જેવા દિવ્ય સ્થળોના દર્શન કરવાનો લહાવો મળશે. IRCTC પશ્ચિમ ઝોનના અમદાવાદના રીજનલ મેનેજરે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે મુસાફરોની આરામદાયક અને સુરક્ષિત મુસાફરી માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ખાનગી સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત, આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે.

આ ટૂર પેકેજ અંતર્ગત મુસાફરો માટે ત્રણ અલગ-અલગ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ઈકોનોમી ક્લાસ (સ્લીપર) માટે રૂ. ૨૪,૨૦૦/-, સ્ટાન્ડર્ડ ક્લાસ (3AC) માટે રૂ. ૪૦,૧૦૦/- અને સ્ટાન્ડર્ડ ક્લાસ (2AC) માટે રૂ. ૪૯,૫૦૦/- ના કિફાયતી દરો રાખવામાં આવ્યા છે. મુસાફરોની સરળતા માટે IRCTC દ્વારા એલટીસી (LTC) સુવિધા તેમજ માત્ર રૂ. ૮૫૦ પ્રતિ માસના હપ્તાથી "બુક કરો EMI" ઓનલાઇન સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે, જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી બુકિંગ કરી શકે.

અગાઉ પણ IRCTC દ્વારા દેશના વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો માટે આવી અનેક ભારત ગૌરવ ટ્રેનો સફળતાપૂર્વક ચલાવવામાં આવી છે, જેને પ્રવાસીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. આ યાત્રા માટેનું બુકિંગ પહેલેથી જ શરૂ થઈ ચૂક્યું છે, અને ઈચ્છુક મુસાફરો સત્તાવાર વેબસાઇટ (www.irctctourism.com) પર જઈને અથવા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેના અધિકૃત સંપર્ક નંબરો પર ફોન કરીને વધુ માહિતી મેળવીને પોતાની ટિકિટ બુક કરાવી શકે છે.

(10:35 AM IST)