<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

સરકારી અને સમરસ છાત્રાલયોમાં પ્રવેશ માટે આવતીકાલે ઓનલાઇન મેરિટ યાદી જાહેર કરાશે

કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬૨ છાત્રાલયોની ૧૫,૬૧૮ બેઠકોમાં પ્રવેશ ફાળવવામાં આવશે

ગાંધીનગર : રાજ્યની સરકારી-સમરસ છાત્રાલયોમાં પ્રવેશ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્ય મંત્રી ડૉ. મનિષા વકીલની ગરિમામય ઉપસ્થિતિમાં આવતીકાલ તા. ૦૭, જુલાઇના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઓનલાઇન મેરિટ યાદી જાહેર કરાશે. રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના વિવિધ સરકારી-સમરસ છાત્રાલયોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આવતીકાલ સવારે ૧૧:૦૦ કલાકે ડિજિટલ માધ્યમથી સમગ્ર મેરીટ પ્રસિદ્ધિની પારદર્શી પ્રક્રિયા સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ પ્રસારિત કરવામાં આવશે, જેથી દરેક વિદ્યાર્થી અને વાલી ઘરે બેઠા આ પારદર્શી પ્રક્રિયાના સાક્ષી બની શકશે.
  આ વર્ષે રાજ્યભરના કુલ ૧૬૨ સરકારી અને સમરસ છાત્રાલયોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં કુલ ૧૫,૬૧૮ વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. સરકારની આ કલ્યાણકારી યોજનાના લીધે અંતરિયાળ વિસ્તારના અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મોટી મદદ મળશે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ કાર્યરત નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક, વિકસતી જાતિ કલ્યાણ અને ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા સંચાલિત છાત્રાલયોમાં પ્રવેશ માટે અગાઉ ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. આ પ્રવેશ પ્રક્રિયાને આખરી ઓપ આપવા માટે ગાંધીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગની યાદીમાં જણાવ્યું છે.

(7:08 PM IST)