<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

વન નેશન, વન ઇલેક્શન-JPC ના 39 સભ્યો ગુજરાતમાં : મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક

ભાજપ આ દેશવ્યાપી ચૂંટણીના વિચારના સંપૂર્ણ સમર્થનમાં છે. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે, આ લોકોના અધિકારો પર અસર કરતો મુદ્દો હોવાથી તેઓ સમિતિ સમક્ષ પોતાની ચિંતાઓ મૂકશે

વન નેશન વન ઇલેક્શન' સંબંધિત બંધારણ (129મો સુધારો) બિલ, 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા(સુધારા) બિલ, 2024 - આ બંને બિલ પર સંયુક્ત સંસદીય સમિતિની અભ્યાસ મુલાકાત આજથી ગાંધીનગર, ગુજરાતમાં શરુ થઈ છે. જે 21 મે સુધી ચાલશે.
 

આ સમિતિના અધ્યક્ષ પી. પી. ચૌધરીએ આજે ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. આ સમિતિમાં 41 સાંસદો સભ્ય છે.

: 'વન નેશન, વન ઇલેક્શન' મામલે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) દેશના વિવિધ રાજ્યોમાં જઈને રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કરી દીધો છે. આ કડીમાં કાયદાવિદ પી.પી. ચૌધરીની અધ્યક્ષતામાં JPC ના 39 સભ્યો (લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદ) આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

 

આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન કમિટીના તમામ સભ્યો, જેમાં પ્રિયંકા ગાંધી, સંબિત પાત્રા, અનુરાગ ઠાકુર, સુપ્રિયા સુલે, મનીષ તિવારી અને બાંસુરી સ્વરાજ જેવા દિગ્ગજ નેતાઓ સામેલ છે, તેઓ ગિફ્ટ સિટી ક્લબમાં રોકાણ કરશે. આ મુલાકાત દરમિયાન કમિટી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી તેમના અભિપ્રાય મેળવશે. આ મુદ્દે કમિટીની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ આજે સાંજે 5:30 વાગ્યે ગિફ્ટ સિટી ખાતે યોજાવા જઈ રહી છે.

 

'વન નેશન-વન ઇલેક્શન' અમલી બનાવવા માટે જરૂરી બંધારણીય ફેરફાર કરવાના હોવાથી, પ્રથમવાર સંસદની JPC દ્વારા રાજ્યના વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી રહી છે. સમિતિએ ચીફ સેક્રેટરી મનોજ દાસ, DGP કે.એન.એલ. રાવ અને નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન સહિત 10 થી વધુ વરિષ્ઠ સચિવોને આ બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે. રાજ્યના બ્યુરોક્રેટ્સ સાથે ત્રણથી ચાર કલાક સુધી વિગતવાર ચર્ચા થઈ શકે છે, જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

 

આ સમિતિએ આગામી 20 મે, બુધવારના રોજ તમામ રાજકીય પક્ષોને પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે આમંત્રિત કર્યા છે. આ પરામર્શ અંગે ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ આ દેશવ્યાપી ચૂંટણીના વિચારના સંપૂર્ણ સમર્થનમાં છે. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે, આ લોકોના અધિકારો પર અસર કરતો મુદ્દો હોવાથી તેઓ સમિતિ સમક્ષ પોતાની ચિંતાઓ મૂકશે.

 

અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી પેનલે 191 દિવસના સંશોધન બાદ 18,626 પાનાનો વિશાળ રિપોર્ટ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો હતો. આ રિપોર્ટના આધારે બંધારણમાં નવી કલમ 82-એ ઉમેરવા માટેનું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે.

(10:27 PM IST)