<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકના સૂચનથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, એડિશનલ કમિશનર ડો. કરણરાજ વાઘેલા અને નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈનની કડક કાર્યવાહી : ૧૨૧ સાયબર આરોપીઓ ઝડપાયા

સુરતના પોશ વિસ્તારોથી લઈને મુંબઈ અને દિલ્હી સુધી નેટવર્ક બિછાવનાર ઉચ્ચ શિક્ષિત ગેંગનો પર્દાફાશ : પકડાયેલા આરોપીઓમાં ૧૩ એન્જિનિયર, ૨ ડોક્ટર, ૨ વકીલ અને ૧૮ ગ્રેજ્યુએટનો સમાવેશ : ગુજરાતના કુલ ૮૮ આરોપીઓમાંથી ૫૧ માત્ર સુરતના હોવાનું ખૂલ્યું : સાયબર ક્રાઇમ વિભાગની તમામ નાગરિકોને અપીલ - લોકો કોઈપણ અજાણ્યા ફોન કે વીડિયો કોલથી સાવચેત રહે, રોકાણની લોભામણી જાહેરાતોમાં ન ફસાય, કેવાયસી અપડેટના નામે આવતી લિંક પર ક્લિક ન કરે અને રિમોટ એક્સેસ એપ્લિકેશન ક્યારેય પણ ડાઉનલોડ ન કરે

 રાજકોટ:  ડિજિટલ યુગમાં સાયબર ગુનાખોરી સતત વધી રહી છે ત્યારે નવા નિયુક્ત થયેલા રાજ્યના પોલીસ વડા શ્રી મલિકે પોતાની ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાતમાં વધતા જતા સાયબર ગુનાઓ પર વિશેષ ફોકસ કર્યું હતું. આ કાર્યવાહીના ભાગરૂપે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરતના નાગરિકોને ડિજિટલ લૂંટથી બચાવવા અને સાયબર ક્રાઇમ પર કડક કાર્યવાહી કરવાનું સૂચન એડિશનલ કમિશનર ડો. કરણરાજ વાઘેલાને કરવામાં આવ્યુ હતું. તેમના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈન અને તેમની ટીમના છ થી વધુ પીઆઇ તથા અન્ય કર્મચારીઓ દ્વારા ચલાવાયેલી ઝુંબેશના આંકડાઓ એક અત્યંત ચિંતાજનક તસવીર રજૂ કરે છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે છેલ્લા છ મહિનામાં વિવિધ સાયબર ઠગાઈના ગુનાઓમાં કુલ ૧૨૧ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મોટાભાગના ઉચ્ચ શિક્ષિત અને આઇટી ક્ષેત્રના એક્સપર્ટ હોવાનું સામે આવ્યું છે.

 

 શિક્ષિત યુવાનો સાયબર ગુનાખોરીના રવાડે:

કાયદાની આંટીઘૂંટીથી વાકેફ અને ટેક્નોલોજીના નિષ્ણાત એવા આ ગુનેગારોના શૈક્ષણિક આંકડા ચોંકાવનારા છે. પકડાયેલા કુલ ૧૨૧ આરોપીઓમાં ૧૩ એન્જિનિયર, ૧૮ ગ્રેજ્યુએટ, ૨ ડોક્ટર, ૨ વકીલ, ૩૩ ધોરણ-૧૨ પાસ, ૨૨ ધોરણ-૧૦ પાસ અને ૨૯ આરોપીઓ ધોરણ ૪ થી ૯ પાસ છે, જ્યારે માત્ર ૨ આરોપીઓ જ અભણ હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલા મુખ્ય આરોપીઓમાં નાગપુર અને હૈદરાબાદ કનેક્શન ધરાવતી અને ચાઈનીઝ ભાષામાં ડિપ્લોમા કરનાર શ્રીમતી શ્રધ્ધા જાગેશ્વર કચરૂજી ગઝભીયે, મોટા વરાછામાં રહેતો એમ.એ. પાસ શૈલેષ નટુભાઈ ધામેલીયા, નવસારીનો બી.ઈ. ઓટોમોબાઈલ એન્જિનિયર રજની નારણભાઈ કાછડીયા, વરાછાનો એમ.કોમ. પાસ અશ્વિન નરસિંહ ગાંગાણી, હૈદરાબાદનો એલએલબી થયેલો વકીલ જીવનરસિંહ કૃષ્ણચન્દ્ર રાઉત, બેંગલુરુનો બીએએમએસ આયુર્વેદિક ડોક્ટર હુમાયું કબીર અબ્દુલ રજાક, હૈદરાબાદનો બીએએમએસ આયુર્વેદિક ડોક્ટર મો. આકીબ અઝહરુદ્દીન અને અમરોલીમાં રહેતો સિવિલ એન્જિનિયર અભિષેક અશોકકુમાર સુથાર સામેલ છે.

 

 સુરતથી દિલ્હી સુધીનું વ્યાપક નેટવર્ક:

પોલીસ તપાસ મુજબ, આ ડિજિટલ લૂંટારુઓએ સુરતના મોટા વરાછા, સરથાણા, ઉધના, ઉત્રાણ, પુણા અને પાલ-અડાજણ જેવા પોશ વિસ્તારોને પોતાનું કેન્દ્ર બનાવીને મુંબઈ, હૈદરાબાદ અને દિલ્હી સુધી પોતાનું નેટવર્ક બિછાવ્યું હતું. આ ગેંગ સેકન્ડોમાં જ લોકોની પરસેવાની કમાણી ગાયબ કરી દેતી હતી. પકડાયેલા કુલ આરોપીઓમાંથી ગુજરાતના ૮૮ આરોપીઓ છે, જેમાં સૌથી વધુ સુરતના ૫૧ આરોપીઓ છે. આ ઉપરાંત અમદાવાદના ૧૦, રાજકોટના ૫, જામનગરના ૪, ભરૂચના ૩, વલસાડના ૩, બનાસકાંઠાના ૨, પંચમહાલના ૨, વડોદરાના ૨, તથા બોટાદ, ભાવનગર, પાટણ, જુનાગઢ, મહેસાણા અને કચ્છના ૧-૧ આરોપીનો સમાવેશ થાય છે.

 

 ઠગાઈની મુખ્ય પાંચ પદ્ધતિઓ (મોડસ ઓપરેન્ડી):

સાયબર પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ નીચે મુજબની પદ્ધતિઓથી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી હતી:

૧.  ડિજિટલ અરેસ્ટ:  સીબીઆઇ, કસ્ટમ કે સાયબર પોલીસ બનીને લોકોને ડરાવવામાં આવતા. મની લોન્ડરિંગ કે ડ્રગ્સ કેસમાં નામ હોવાનો ડર બતાવી, વીડિયો કોલ પર કલાકો સુધી 'ડિજિટલ અરેસ્ટ' રાખીને કેસ રફેદફે કરવા લાખો રૂપિયા પડાવતા.

૨.  ટાસ્ક અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ:  વોટ્સએપ કે ટેલિગ્રામ પર 'વર્ક ફ્રોમ હોમ' કે વીડિયો લાઈક કરવાના સરળ કામની ઓફર આપી, શરૂઆતમાં નાનું વળતર ચૂકવી વિશ્વાસ જીતતા. ત્યારબાદ શેર કે ક્રિપ્ટોમાં લાખોનું રોકાણ કરાવી ઠગાઈ કરતા.

૩.  કેવાયસી અને રિમોટ એક્સેસ:  બેંક ખાતું, પાનકાર્ડ કે સિમકાર્ડ બ્લોક થવાનો ડર બતાવી AnyDesk કે TeamViewer જેવી રિમોટ એક્સેસ એપ ડાઉનલોડ કરાવીને મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ મેળવી લેતા.

૪.  કુરિયર-પાર્સલ રેકેટ:  કુરિયર કંપનીના નામે ફોન કરીને ડ્રગ્સ ભરેલું પાર્સલ પકડાયું હોવાનો દાવો કરી, કાનૂની કાર્યવાહીની ધમકી આપી સેટલમેન્ટના નામે નાણાં પડાવતા.

૫.  સેક્સ્ટોર્શન ફ્રોડ:  અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ કરી, કોલ ઉપાડતા જ અશ્લીલ વીડિયો પ્લે કરી સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેતા. ત્યારબાદ તે મોર્ફ કરેલો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતા.

 

 નિષ્ણાતોના સૂચનો અને પોલીસની અપીલ:

આ વ્યાપક ગુનાખોરીને ડામવા માટે સાયબર નિષ્ણાતોએ કેટલાક મહત્વના સૂચનો કર્યા છે. શૈક્ષણિક સંસ્થાઓ, ખાસ કરીને એન્જિનિયરિંગ અને આઇટી કોલેજોમાં 'સાયબર એથિક્સ' (ટેક્નોલોજીનો નૈતિક ઉપયોગ) નું ફરજિયાત શિક્ષણ આપવું અને સ્પેશિયલ કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. બેંકોએ બોગસ ખાતા (મ્યુલ એકાઉન્ટ્સ) અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અટકાવવા રોજિંદી કામગીરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વધારવો પડશે અને બેંક ખાતા તથા સિમકાર્ડ વેરિફિકેશન વધુ કડક બનાવવું પડશે. ગુનેગારો આંતરરાજ્ય નેટવર્ક ધરાવતા હોવાથી તમામ રાજ્યોના સાયબર સેલ વચ્ચે એક 'સેન્ટ્રલ રિયલ-ટાઇમ ડેટાબેઝ' બનાવવાની પણ તાતી જરૂરિયાત છે.

 

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ વિભાગે તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ અજાણ્યા ફોન કે વીડિયો કોલથી સાવચેત રહે, રોકાણની લોભામણી જાહેરાતોમાં ન ફસાય, કેવાયસી અપડેટના નામે આવતી લિંક પર ક્લિક ન કરે અને રિમોટ એક્સેસ એપ્લિકેશન ક્યારેય પણ ડાઉનલોડ ન કરે.

(10:58 AM IST)