News of Thursday, 12th November 2026
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદના ઇસનપુર ખાતે આગામી ૧૫ નવેમ્બરે ભવ્ય રેલી અને જાહેરસભાનું આયોજન : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનું થશે જીવંત પ્રસારણ
અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલે આદિવાસી સમાજના અગ્રણીઓ તથા નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા કરી અપીલ : સમગ્ર દેશમાં આશરે ૫૦૦ સ્થળોએ યોજાશે કાર્યક્રમો

અમદાવાદ: જનજાતિય ગૌરવના પ્રતિક સમાન ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી સમગ્ર દેશની સાથે અમદાવાદ શહેરમાં પણ ઉત્સાહભેર ઉજવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી તા. ૧૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા ભગવાન બિરસા મુંડા ગાર્ડન (પુષ્પક સોસાયટીની બાજુમાં, મોની હોટલના ખાંચા પાસે) સવારે એક વિશેષ રેલી અને જાહેરસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય મહાપર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશમાં આશરે ૫૦૦ સ્થળોએથી પ્રસારિત થનાર પોતાના ઓજસ્વી સંબોધન દ્વારા નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડશે, જેનું અમદાવાદ ખાતે પણ સામૂહિક નિદર્શન યોજાશે.
આગામી કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા આપતા અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે સંયુક્ત અખબારી યાદી અને બેઠક દ્વારા નાગરિકો તેમજ મીડિયા પ્રતિનિધિઓને આ ઐતિહાસિક અવસરે ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવાનો અવસર - મેયર હિતેશભાઈ બારોટ:
અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તેમના અદમ્ય સંઘર્ષ, શૌર્ય, બલિદાન અને દેશના આદિવાસી સમાજના ઉત્થાન માટે આપેલા અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પવાનો પવિત્ર અવસર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ઉજવાઈ રહેલા આ અભિયાન અંતર્ગત અમદાવાદમાં ઇસનપુર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો, યુવાનો અને આદિવાસી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાઈને આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બને તેવી હું હાર્દિક અપીલ કરું છું.
નવી પેઢી સુધી બિરસા મુંડાની શૌર્યગાથા પહોંચાડવાનો સંકલ્પ - ચેરમેન કમલેશભાઈ પટેલ:
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ દેશની આઝાદી અને આદિવાસી સમાજના હક-અધિકારો માટે જે અજોડ સંઘર્ષ કર્યો છે, તે હંમેશાં દેશવાસીઓ માટે પ્રેરણારૂપ રહેશે. તેમની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે યોજાનારી આ વિશાળ રેલી અને જાહેરસભાના માધ્યમથી તેમની શૌર્યગાથા અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવનાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે નાગરિકોને મોટી સંખ્યામાં પધારીને આ રાષ્ટ્રીય મહોત્સવને સફળ બનાવવા અનુરોધ કર્યો છે.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ઇસનપુર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
