News of Wednesday, 15th July 2026
ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મહાઆરતીમાં સહભાગી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
અષાઢી બીજનો પાવન તહેવાર સમરસતા, સેવા, શ્રદ્ધા અને સાંસ્કૃતિક એકતાનો ઉત્સવ : મુખ્યમંત્રી

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના જગન્નાથ મંદિરે મહાઆરતીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અષાઢી બીજના શુભ દિવસે ભગવાન શ્રી જગન્નાથજી નગરચર્યાએ નીકળીને સર્વ સમાજને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણના આશીર્વાદ આપે છે. તેમણે ભગવાન જગન્નાથને દરિદ્ર નારાયણ ગણાવતા કહ્યું કે, શ્રમિકો અને વંચિતો પ્રત્યેની કરુણા અને સેવાનો સંદેશ આપતી આ રથયાત્રા ભારતીય સંસ્કૃતિના સમરસતા અને માનવતાના મૂલ્યોને વધુ સુદ્રઢ કરે છે.
તેમણે કહ્યું કે, શ્રી જગન્નાથજીની રથયાત્રા ગુજરાતની ગૌરવશાળી પરંપરા, સાંસ્કૃતિક વિરાસત અને સામાજિક એકતાનું પ્રતીક છે. આ પવિત્ર અવસરે સૌએ ભાઈચારા, પરસ્પર સ્નેહ અને સામાજિક સમરસતાની ભાવના સાથે આ મહાપર્વની ઉજવણી કરવાની પણ મુખ્યમંત્રીએ અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને આત્મસાત કરીને આપણે સૌ મળીને એક સમૃદ્ધ, સુખી અને વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનીએ તેવો અનુરોધ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો
મુખ્યમંત્રીએ રાજ્યમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસનું વાતાવરણ વધુ સુદૃઢ બને તેમજ દરેક નાગરિકના જીવનમાં સુખ-સમૃદ્ધિનો સંચાર થાય તે માટે ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાંસદ દિનેશભાઈ મકવાણા અને હસમુખભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શહેર પ્રમુખ પ્રેરક શાહ, સ્થાનિક ધારાસભ્યો સર્વ અમિતભાઇ શાહ, કૌશિક જૈન, અમૂલ ભટ્ટ, હસમુખ પટેલ, કંચનબેન રાદડિયા, દિનેશસિંહ કુશવાહ, પાયલ કુકરાણી, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
