<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

હવે દરેક જગ્યાએ અલગ-અલગ એફિડેવિટની માથાકૂટનો અંત, સમગ્ર ગુજરાતમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે

કાયદા વિભાગે જાહેર કર્યું ધોરણસરનું નવું સમાન ફોર્મેટ : વહીવટી પ્રક્રિયા સરળ અને પારદર્શક બનાવવા માટે ભુપેન્દ્રભાઈ પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

 ગાંધીનગર  : ગુજરાતમાં સરકારી સેવાઓ મેળવવા માટે નાગરિકોને વારંવાર જુદા-જુદા લખાણવાળા એફિડેવિટ કરાવવાની પડતી મુશ્કેલીઓનો અંત લાવવા માટે ગુજરાત સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ વહીવટી સુધારો કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં નાગરિક સેવાઓને વધુ સરળ, લોકાભિમુખ અને પારદર્શક બનાવવાના ભાગરૂપે કાયદા વિભાગે રાજ્યવ્યાપી સ્વીકાર્ય એવા “યુનિવર્સલ એફિડેવિટ”નું નવું સમાન ફોર્મેટ જાહેર કર્યું છે. હવેથી જે સેવાઓમાં કાયદા કે નિયમ મુજબ સોગંદનામું જરૂરી હોય પરંતુ કોઈ વિશિષ્ટ ફોર્મેટ કાયદાકીય રીતે નક્કી ન હોય, ત્યાં આ એક જ સમાન ફોર્મેટ સમગ્ર રાજ્યમાં માન્ય રાખવામાં આવશે.

અત્યાર સુધી રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગો દ્વારા અપાતી વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ, દાખલાઓ કે કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અરજદારોએ અનેક પ્રકારના જુદા-જુદા સોગંદનામાં રજૂ કરવા પડતા હતા. દસ્તાવેજોમાં આ પ્રકારની વિવિધતાને કારણે વહીવટી સ્તરે બિનજરૂરી જટિલતા ઊભી થતી હતી, જેના લીધે સામાન્ય જનતાનો કિંમતી સમય વેડફાતો હતો તેમજ વહીવટી પ્રક્રિયાઓમાં મોટો વિલંબ થતો હતો. નાગરિકોને આ રોજિંદી હાલાકી અને મુશ્કેલીઓમાંથી કાયમી મુક્તિ આપવા માટે સરકારે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત, ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જન સેવા કેન્દ્રો ખાતે પણ આ જ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેથી ઓનલાઇન અરજી કરનારા અરજદારોને પણ મોટી સુવિધા મળી રહેશે.

બીજી તરફ સરકારે એ બાબત પણ સ્પષ્ટ કરી છે કે, જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટ કરવાની કોઈ જરૂરિયાત નક્કી થયેલી નથી, તેવી સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગના પૂર્વનિર્ધારિત ઠરાવ મુજબ એફિડેવિટના સ્થાને માત્ર 'સ્વઘોષણા' (સેલ્ફ ડેિક્લેરેશન)ની સરળ પ્રક્રિયા જ ચાલુ રહેશે. તેવી જગ્યાઓ પર સોગંદનામું ફરજિયાત કરવામાં આવ્યું નથી. કાયદા વિભાગ દ્વારા જારી કરાયેલા આ સત્તાવાર ફોર્મેટને સામાન્ય જનતાની વ્યાપક સરળતા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં સત્તાવાર રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

(5:57 PM IST)