News of Friday, 24th April 2026
ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂની કિંમતોના નવા દર નિર્ધારિત : પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદે દારૂના કેસોમાં મુદ્દામાલની કિંમત નક્કી કરવા માટે વર્ષ ૨૦૨૬-૨૦૨૭નું નવું ભાવપત્રક જાહેર કરાયું : જુઓ સંપૂર્ણ સૂચિ
રાજ્યના ગૃહ વિભાગ અને નશાબંધી આબકારી નિયામક કચેરીના પરામર્શમાં રહીને પોલીસ મહાનિદેશક કચેરી દ્વારા તમામ પોલીસ કમિશનર અને રેન્જ વડાઓને અમલવારી માટે અપાયેલા આદેશ : ૧લી એપ્રિલ ૨૦૨૬થી અમલી બનેલા ભાવપત્રકમાં ૧૦૦ પાઇપર્સ, એબ્સોલ્યુટ વોડકા અને બ્લેક ડોગ જેવી વિવિધ બ્રાન્ડના ભાવો સ્પષ્ટ કરાયા

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂના ગેરકાયદે વેપાર અને આયાત સામેની કાર્યવાહીને વધુ સચોટ બનાવવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્યમાં પકડાતા વિદેશી દારૂના મુદ્દામાલની કિંમત નક્કી કરવા માટે વર્ષ ૨૦૨૬-૨૦૨૭નું નવું ભાવપત્રક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ નવા દર ૧ એપ્રિલ ૨૦૨૬થી ૩૧ માર્ચ ૨૦૨૭ સુધીના સમયગાળા માટે અમલી રહેશે.
કિંમત નિર્ધારણ માટે વિશેષ સમિતિની રચના:
ગૃહ વિભાગના ૧૩ જુલાઈ ૨૦૨૩ના ઠરાવ મુજબ, રાજ્યમાં પોલીસ દ્વારા પકડવામાં આવતી વિદેશી દારૂની બોટલો કે ટીનની ચોક્કસ કિંમત નક્કી કરવા માટે સંયુક્ત સચિવ (કાયદો અને વ્યવસ્થા)ના અધ્યક્ષપદે એક ખાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, દર વર્ષે ૩૧ માર્ચની સ્થિતિએ રાજ્યમાં નોંધાયેલ વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ખરીદીની કિંમતોના આધારે આગામી વર્ષ માટેના દરો નક્કી કરવામાં આવે છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ બજારમાં થતી વાસ્તવિક વધ-ઘટ મુજબ મુદ્દામાલની કિંમત આંકી શકાય તેવો છે.
વિવિધ બ્રાન્ડના નક્કી કરાયેલા નવા ભાવો:
નશાબંધી અને આબકારી નિયામક કચેરી દ્વારા પૂરા પાડવામાં આવેલા પત્રક મુજબ, વિવિધ જાણીતી બ્રાન્ડના ૭૫૦ મિલીની બોટલના ભાવો નીચે મુજબ નિર્ધારિત કરવામાં આવ્યા છે:
* ૧૦૦ પાઇપર્સ સ્કોચ વ્હિસ્કી: ૧૪૭૪.૫૧ રૂપિયા.
* એબ્સોલ્યુટ વોડકા (બ્લુ/સિટ્રોન/રાસ્પબેરી વગેરે): ૧૪૯૭.૭૩ રૂપિયા.
* બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ: ૧૭૭૭.૫૪ રૂપિયા.
* બ્લેક ડોગ સેન્ટેનરી સ્કોચ વ્હિસ્કી: ૧૫૩૫.૧૧ રૂપિયા.
* અમૃત ફ્યુઝન સિંગલ માલ્ટ વ્હિસ્કી: ૪૦૮૦.૫૭ રૂપિયા.
* એન્ટિક્વિટી બ્લુ અલ્ટ્રા પ્રીમિયમ વ્હિસ્કી: ૧૦૫૦.૨૭ રૂપિયા.
* બેકાર્ડી કાર્ટા બ્લાન્કા સુપિરિયર વ્હાઇટ રમ: ૧૧૧૦.૮૭ રૂપિયા.
* સિવાસ રીગલ ૧૨ વર્ષ જૂની વ્હિસ્કી: ૨૯૮૪.૮૫ રૂપિયા.
આ ભાવપત્રકમાં સ્પીરીટ ઉપરાંત વાઇન અને બિયરના ભાવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મોંઘી ગણાતી બ્લુ લેબલ વ્હિસ્કીના ૭૫૦ મિલીના ભાવ ૨૦,૦૬૦.૬૧ રૂપિયા અને સિવાસ રીગલ ૨૫ વર્ષ જૂની વ્હિસ્કીના ભાવ ૨૭,૭૩૩.૩૩ રૂપિયા નક્કી કરાયા છે.
તમામ પોલીસ વડાઓને કડક અમલવારીની સૂચના:
પોલીસ મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) મકરંદ ચૌહાણ દ્વારા જારી કરવામાં આવેલી સૂચના મુજબ, તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને જિલ્લા પોલીસ અધિક્ષકોએ હવેથી પકડાતા દારૂના જથ્થાની કિંમત આ નવા ભાવપત્રક મુજબ જ ગણવાની રહેશે. આ પત્રકની નકલો સી.આઈ.ડી. ક્રાઈમ, એ.ટી.એસ. અને સ્ટેટ મોનિટરિંગ સેલ જેવી મહત્વની એજન્સીઓને પણ જાણ અને અમલવારી માટે મોકલી આપવામાં આવી છે. નશાબંધી અને આબકારી વિભાગના નોડલ ઓફિસર અમિતા વી. દ્વારા આ ભાવપત્રકને ડિજિટલ હસ્તાક્ષરથી પ્રમાણિત કરવામાં આવ્યું છે.
સંપૂર્ણ ભાવપત્રક જોવા માટે આ સાથે આપેલ pdf ફાઈલ ડાઉનલોડ કરો...
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
