તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Sunday, 5th July 2026
અમદાવાદ-ગાંધીનગર કોરીડોરના સર્વાંગી વિકાસમાં નવી ગતિ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભાટ સર્કલ પર રાજ્યના પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજનું ભવ્ય લોકાર્પણ
રૂ.૧૭૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧.૪૮ કિ.મી. લાંબા બ્રિજથી ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે : કોબા અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા કેનાલ પર રૂ.૪૮ કરોડના ખર્ચે ટ્વેલ્વ લેન બ્રિજ પ્રોજેક્ટનું ખાતમૂર્હત સંપન્ન

ગાંધીનગર: પાટનગર ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા મહત્વપૂર્ણ માર્ગ પર વાહનચાલકોને વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રવિવાર તારીખ ૦૫/૦૭/૨૦૨૬ થી ભાટ ચાર રસ્તા પર નવનિર્મિત કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂક્યો છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા ૫૦-૫૦ ટકાની સમાન ભાગીદારીથી આ અત્યાધુનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો સૌ પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ છે, જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટીને વધુ ઝડપી બનાવશે.
રૂ.૧૭૫ કરોડનો કેબલ સ્ટેડ બ્રિજ ટ્રાફિક જામની સમસ્યા અટકાવશે:
અંદાજે રૂ.૧૭૫ કરોડના ખર્ચે તૈયાર થયેલો ૧.૪૮ કિલોમીટરની લંબાઈ ધરાવતો આ બ્રિજ કાર્યરત થવાથી ભાટ સર્કલ પર થતા અવાર-નવારના ટ્રાફિક જામમાંથી લોકોને મોટી રાહત મળશે. ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ અને એસ.પી. રિંગરોડ પર મળીને દરરોજ અંદાજે કુલ ૧.૯૩ લાખથી વધુ વાહનોની અવર-જવર રહે છે. ભાટ સર્કલ મુખ્ય જંકશન હોવાના કારણે ત્યાં વાહનચાલકોના સમય અને ઇંધણનો મોટો વ્યય થતો હતો. હવે, નવો બ્રિજ બનવાથી એસ.પી. રિંગ રોડનો ટ્રાફિક ફ્લાય ઓવરની નીચેથી પસાર થશે અને ગાંધીનગર-અમદાવાદ શહેર તરફનો વાહન વ્યવહાર બ્રિજની ઉપરથી અવિરત ચાલશે. આ સાથે જ રિંગરોડ, વડોદરા અને સુરત તરફ જતા વાહનો માટે બંને બાજુ ૩-૩ લેન મળીને કુલ ૬ લેનનો અલાયદો સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યો છે.
રૂ.૪૮ કરોડના ખર્ચે નર્મદા કેનાલ બ્રિજ હવે ટ્વેલ્વ (૧૨) લેન બનશે:
કેબલ સ્ટેડ બ્રિજના લોકાર્પણની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર-અમદાવાદ કોરિડોર પર કોબા સર્કલથી ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલ પર આવેલા હાલના ૬ લેન બ્રિજને ટ્વેલ્વ (૧૨) લેનમાં રૂપાંતરિત કરવાની મહત્વકાંક્ષી કામગીરીનું ખાતમૂર્હત પણ કર્યું હતું. પીક અવર્સ દરમિયાન સર્જાતી બોટલનેકની સ્થિતિ અને ટ્રાફિક જામના નિવારણ માટે રાજ્ય સરકારે હાલના બ્રિજની બંને બાજુ નવા ત્રણ-ત્રણ લેનના બ્રિજ બનાવવા માટે રૂ.૪૮ કરોડનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં સમગ્ર કોરિડોરમાં સતત છ લેનની ક્ષમતા જળવાઈ રહેશે અને ભવિષ્યના વધતા વાહન વ્યવહારને સરળતાથી સંભાળી શકાશે.
લોકાર્પણ પ્રસંગે અનેક મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ:
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જ્યારે આ નવનિર્મિત કેબલ રોડ બ્રિજનું લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કર્યો તે ગૌરવશાળી અવસરે સાંસદ હસમુખભાઈ પટેલ, ગાંધીનગરના ધારાસભ્યો રિટાબહેન પટેલ અને અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાંબહેન પટેલ, શહેર ભાજપા પ્રમુખ આશિષ દવે, સંગઠનના અન્ય પદાધિકારીઓ તેમજ માર્ગ-મકાન વિભાગના સચિવ પ્રભાત પટેલિયા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
