News of Wednesday, 1st July 2026
યાત્રાધામ પાવાગઢમાં કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યું: સાર્વત્રિક વરસાદને પગલે ડુંગર હરિયાળીની ચાદર ઓઢી
મેઘરાજાની મહેર થતા ડુંગર અત્યંત રમણીય બની ગયો:ડુંગર પરથી વહેતાં કુદરતી ઝરણાં અને મંદિર તરફ જતાં પગથિયાં પર વહેતું પાણી પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું

ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢમાં કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. બુધવારે થયેલા સાર્વત્રિક વરસાદને પગલે પાવાગઢ ડુંગર હરિયાળીની ચાદર ઓઢીને અત્યંત રમણીય બની ગયો છે. મેઘરાજાની મહેર વચ્ચે પણ માતાજી પ્રત્યેની ભક્તોની અડગ શ્રદ્ધામાં કોઈ ઓટ જોવા મળી નથી.
વરસાદી વાતાવરણમાં પાવાગઢ ડુંગર પરના દૃશ્યો કોઈ સ્વર્ગથી કમ નથી લાગતા. ડુંગર પરથી વહેતાં કુદરતી ઝરણાં અને મંદિર તરફ જતાં પગથિયાં પર વહેતું પાણી પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઠંડા પવનો, ચારેબાજુ છવાયેલું ધુમ્મસ અને લીલાછમ જંગલો વચ્ચે મહાકાળી માતાના દર્શન કરવાનો લ્હાવો લેવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ઘણા પ્રવાસીઓએ આ મનમોહક કુદરતી દૃશ્યોને પોતાના કેમેરામાં કંડારી લીધા હતા.
ભીની પગદંડી અને લપસણાં પગથિયાં હોવા છતાં ભક્તોનો ઉત્સાહ જરા પણ ઓછો જણાયો ન હતો. વરસાદી ઝાપટાં વચ્ચે છત્રી અને રેઇનકોટ પહેરીને કે પછી ભીંજાતા-ભીંજાતા પણ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી હતી. શ્રદ્ધાળુઓને સાવચેતીપૂર્વક ચાલવા અને લપસણા માર્ગો પર સાવધ રહેવા તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી હતી.
પાવાગઢની આ રમણીયતા ચોમાસામાં અનેકગણી વધી જાય છે. કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિક શાંતિના અનોખા સંગમને કારણે મોટી સંખ્યામાં લોકો અહીં કુદરતની ગોદમાં લ્હાવો લેવા આવે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, જેને જોતાં આવનારા સમયમાં પાવાગઢમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની વધુ ભીડ જોવા મળે તેવી શક્યતા છે. વરસાદી માહોલ વચ્ચે મહાકાળી માતાના આશીર્વાદ અને પ્રકૃતિનું અદભુત સૌંદર્ય ભક્તો માટે એક યાદગાર સંભારણું બની રહ્યું છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
