News of Tuesday, 15th September 2026
લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં મીડિયા પ્રતિનિધિઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો : પ્રાકૃતિક ખેતી એ માત્ર વિકલ્પ નથી પરંતુ માનવજાત, ધરતી માતા અને આવનારી પેઢીઓને બચાવવાનો પવિત્ર મહાયજ્ઞ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ વિક્રાંત પાંડે, લોકભવનના સચિવ મેહુલ દવે અને વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત : પરિસંવાદ બાદ રાજ્યપાલશ્રીએ મીડિયા પ્રતિનિધિઓ અને તંત્રીશ્રીઓ સાથે સહજ સંવાદ કર્યો

ગાંધીનગર તા.૧૫ ગાંધીનગરના લોકભવન સ્થિત મહર્ષિ દયાનંદ સભામંડપ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં રાજ્યના વરિષ્ઠ પત્રકારો, તંત્રીશ્રીઓ અને સંપાદકો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ વિક્રાંત પાંડે, લોકભવનના સચિવ મેહુલ દવે અને વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ તેમના ગુરુકુલ કુરુક્ષેત્રના અનુભવો વાગોળતા એક અત્યંત પ્રેરણાદાયી પ્રસંગ ટાંક્યો હતો. પહેલા ગુરુકુલમાં ૧૮૦ એકર જમીનમાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરીને ખેતી કરાવવામાં આવતી હતી. એક દિવસ ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહેલો ખેત-મજૂર માત્ર દવાની ઝેરી વાસથી જ ખેતરમાં બેભાન થઈને ઢળી પડ્યો. તેને ત્વરિત હોસ્પિટલ પહોંચાડાતા ૩ દિવસની સઘન સારવાર બાદ માંડ તેનો જીવ બચ્યો. આ ઘટનાથી રાજ્યપાલશ્રીનું હૃદય દ્રવી ઉઠ્યું. અને તેમને વિચાર આવ્યો કે જે દવાની દુર્ગંધથી માણસ મરણતોલ થઈ જાય, તે જ રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના ખેતીમાં ઉપયોગથી તૈયાર થતો ખોરાક ગુરુકુલમાં ભણતા દેશના ૧૯ રાજ્યોના નિર્દોષ બાળકોને ખવડાવવો એ ઘોર અપરાધ છે. તે દિવસથી રાજ્યપાલશ્રીએ રાસાયણિક ઝેરવાળી ખેતી કાયમ માટે બંધ કરવાનો નિશ્ચય કર્યો.
તેમણે વધુમાં ઉમેર્યું કે, રાસાયણિક ખેતી છોડ્યા બાદ તેમણે શરૂઆતમાં કૃષિ વૈજ્ઞાનિકોની સલાહથી જૈવિક ખેતી - ઓર્ગેનિક ફાર્મિંગ અપનાવી, પરંતુ તેમાં અનેક વ્યાવહારિક મુશ્કેલીઓ સામે આવી. ઘઉં અને ચોખા જેવા મુખ્ય પાકો માટે પ્રતિ એકર ૬૦ કિલો નાઈટ્રોજન જોઈએ. ૧ ટન છાણિયા ખાતરમાંથી માત્ર ૨ કિલો નાઈટ્રોજન મળે છે. એટલે કે પ્રતિ એકર ૩૦૦ ક્વિન્ટલ છાણિયા ખાતરની જરૂર પડે. આટલા ખાતરની જરૂરિયાત પુરી કરવા ૩૦ થી ૪૦ પશુઓ હોવા જોઈએ, જે સામાન્ય ખેડૂત માટે શક્ય નથી, જેથી ૩૦૦ ક્વિન્ટલ છાણિયું ખાતર એકઠું કરવું વ્યવહારિક રીતે અશક્ય છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, ખેતરમાં આટલું બધું છાણ નાખવાથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છે, જે કાર્બન ડાયોક્સાઈડ કરતાં ૨૨ ગણો વધુ હાનિકારક છે. ઉપરાંત, ઘાસચારો/નિંદામણ એટલું ઉગી નીકળે છે કે ખેડૂતના મજૂરી ખર્ચમાં મોટો વધારો થાય છે અને ઉત્પાદન ઘટે છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, જૈવિક ખેતીના નિષ્ફળ અનુભવ બાદ તેમણે 5 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી. પ્રાકૃતિક ખેતી એ સૂક્ષ્મ જીવાણુઓ, દેશી અળસિયાં અને મિત્ર કીટકોની ખેતી છે. તેમાં બહારથી કોઈ ભારેખમ ખાતર કે પ્રોસેસ્ડ જૈવિક ખાતર ખરીદવું પડતું નથી.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે જંગલમાં કોઈ યુરિયા, ડીએપી, જંતુનાશક કે સિંચાઈ આપવા જતું નથી, છતાં ત્યાંના વૃક્ષો ફળોથી ભરેલા અને સંપૂર્ણ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. આ જ કુદરતી સિદ્ધાંત ખેતરમાં જીવામૃત, ઘનજીવામૃત અને આચ્છાદન દ્વારા લાગુ થાય છે. આ પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા અને ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઝડપથી વધે છે તથા જમીનની જળ ધારણ શક્તિ મજબૂત થાય છે.
રાજ્યપાલશ્રીએ તેમના હિમાચલમાં રાજ્યપાલ તરીકેના કાર્યકાળને યાદ કરતા ઉમેર્યું કે, તેઓએ હિમાચલના પહાડી ગામડાઓમાં જઈ સફરજનના બગીચાઓમાં પોલીહાઉસના ખેડૂતોને તાલીમ આપી હતી. જેમાં માત્ર ૨ વર્ષના ટૂંકા ગાળામાં ૩૫,૦૦૦ ખેડૂતોને જોડાયા હતા. આજે ત્યાં ૨.૫ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને રાજ્ય સરકારના સક્રિય સહયોગથી રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ખેડૂતોના પ્રાકૃતિક ઉત્પાદનોના સીધા વેચાણ માટે રાજ્ય સરકાર દ્વારા ૩૦૦ થી વધુ કાયમી વેચાણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્યપાલશ્રીએ પરિસંવાદના અંતે ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓ અને તંત્રીશ્રીઓને અપીલ કરતાં જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર કોઈ કાર્યક્રમ નથી, પરંતુ ધરતી માતાને રસાયણમુક્ત કરવાનો, જળ-પર્યાવરણનું જતન કરવાનો અને માનવજાતને ગંભીર રોગોથી બચાવવાનો રાષ્ટ્રીય સેવા-યજ્ઞ છે. આ સંદેશ સમાજના દરેક નાગરિક સુધી પહોંચાડવામાં મીડિયા પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે તે જરૂરી છે.
પરિસંવાદ બાદ રાજ્યપાલશ્રીએ મીડિયા પ્રતિનિધિઓ અને તંત્રીશ્રીઓ સાથે સહજ સંવાદ કર્યો હતો. કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું જેમાં તેમણે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અભિયાનની પ્રગતિ અંગે માહિતી આપી હતી.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
