News of Thursday, 22nd October 2026
અમદાવાદના શાહીબાગમાં દારૂ ભરેલી કાર પકડવા ફિલ્મીઢબે પીછો : બુટલેગરોએ કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ: SMC ટીમનું ફાયરિંગ
SMCની ટીમે શાહીબાગથી ઈન્દિરા બ્રિજ સુધી કારનો પીછો કર્યો:બુટલેગરોએ SMCની ટીમ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો:ટીમે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું તેમ છતાં કારમાં સવાર શખ્સો ફરાર થઈ ગયા

અમદાવાદના શાહીબાગમાં ખંડુભાઈ હોલ પાસે દારૂ ભરેલી કાર પકડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ખંડુભાઈ હોલ પાસે દારૂ કટિંગ થતો હોવાની માહિતી મળતાં SMCની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન દારૂ ભરેલી ક્રેટા કારમાં આવેલા શખ્સો ટીમને જોઈને ફરાર થવા લાગ્યા હતા. SMCની ટીમે શાહીબાગથી ઈન્દિરા બ્રિજ સુધી કારનો પીછો કર્યો હતો. આ દરમિયાન બુટલેગરોએ SMCની ટીમ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. પરિસ્થિતિને પગલે ટીમે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું, તેમ છતાં કારમાં સવાર શખ્સો ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં SMCની ટીમ અને કથિત બુટલેગરો વચ્ચે ફિલ્મી દૃશ્યો સર્જાયાં હતાં. ફરાર શખ્સોને પકડવા અને દારૂના જથ્થા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શંકાસ્પદ વાહનમાં ગેરકાયદેસર રીતે દારૂનો મોટો જથ્થો શહેરમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે SMCની ટીમે શાહીબાગ વિસ્તારમાંથી સંબંધિત બુટલેગરની કારની પાછળ વોચ ગોઠવી હતી. પોલીસને પોતાની પાછળ લાગેલી જોઈ બુટલેગરે કારને પૂરપાટ ઝડપે એરપોર્ટ સર્કલ તરફ ભગાવી મૂકી હતી. પોલીસે તેનો પીછો ચાલુ રાખતાં એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ તરફ જતા માર્ગ પર તેને ઘેરી લેવાનો વ્યુહાત્મક પ્રયાસ કર્યો હતો.
પોતાને ચારેય તરફથી ઘેરાયેલો જોઈ બુટલેગર વધુ હિંસક અને બેફામ બન્યો હતો. તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાને બદલે નાસવાના ઈરાદે સીધી જ પોતાની કાર રસ્તા પર ઉભેલા SMCના જવાનો તરફ પૂરઝડપે હંકારી દીધી હતી. પોલીસ કર્મચારીઓને કચડી મારી જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ થતાં ટીમ ક્ષણભર માટે જોખમમાં મુકાઈ ગઈ હતી. જોકે જવાનોએ સમયસૂચકતા વાપરી પોતાની જાતને બચાવી લીધી હતી અને અન્ય કોઈ રસ્તો ન જણાતાં આત્મરક્ષણ માટે બુટલેગરની ગાડીના ટાયર તેમજ બોડી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ફાયરિંગની ઘટના વચ્ચે પણ બુટલેગર કાર હંકારીને અંધારા કે ટ્રાફિકનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સમગ્ર ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસ કંટ્રોલ રૂમને એલર્ટ કરવામાં આવ્યો હતો. આ ચકચારી મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રુકાવટ, હત્યાનો પ્રયાસ અને પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ વિધિવત્ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. એરપોર્ટ રોડ, ઇન્દિરાબ્રિજ, ભાટ તેમજ ગાંધીનગર તરફ જતા તમામ માર્ગો પર તાત્કાલિક નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે. સમગ્ર રૂટ પર લાગેલા સીસીટીવી કેમેરાના આધારે કારના રજીસ્ટ્રેશન નંબર અને આરોપીની ઓળખ છતી કરી તેને ઝડપી લેવા માટે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
