<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ગુજરાતમાં મેઘમહેર વચ્ચે ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળસંગ્રહ : ૧૩ ડેમ છલકાયા : ૨૧ જળાશયો માટે 'હાઈ એલર્ટ' જાહેર

જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ૬૯.૨૫ ટકા ભરાયો : દક્ષિણ ગુજરાતના દમણગંગામાં ૨૭ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક સામે ૩૭ હજાર ક્યુસેક પાણી છોડાયું

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત અને નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જળસંપત્તિ વિભાગના તા. ૨૭ જુલાઈ-૨૦૨૬ના સવારે ૦૮ કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યના ૧૩ ડેમ સંપૂર્ણપણે એટલે કે ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, જ્યારે ૨૧ ડેમ માટે તંત્ર દ્વારા 'હાઈ એલર્ટ' જાહેર કરવામાં આવી છે. ગત વર્ષે આજના દિવસે રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૬૧ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો.

 

 સરદાર સરોવર અને અન્ય મુખ્ય જળાશયોની સ્થિતિ:

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં ૨,૩૧,૩૪૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, જે તેની કુલ ક્ષમતાના ૬૯.૨૫ ટકા જેટલો થાય છે અને હાલમાં તેમાં ૩,૨૩૨ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. નર્મદા ડેમ સિવાયના રાજ્યના ૨૦૬ મુખ્ય જળાશયોમાં કુલ ૨,૫૩,૩૩૬ MCFT જળસંગ્રહ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૪૫.૪૧ ટકા જેટલો થાય છે.

 

રાજ્યના વિવિધ ડેમોની સ્થિતિ અંગે વિગતવાર જોઈએ તો:

* ૧૩ જળાશયો: ૧૦૦ ટકા (સંપૂર્ણ) ભરાયેલા

* ૨૬ જળાશયો: ૯૦ થી ૧૦૦ ટકા

* ૨૮ જળાશયો: ૫૦ થી ૭૦ ટકા

* ૫૫ જળાશયો: ૨૫ થી ૫૦ ટકા

* ૮૪ જળાશયો: ૨૫ ટકાથી ઓછો સંગ્રહ

 

આ ઉપરાંત, તંત્ર દ્વારા ૨૧ ડેમ પર હાઈ એલર્ટ સિવાય ૦૫ જળાશયો માટે એલર્ટ અને ૧૩ જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

 

 નવી પાણીની આવક અને પ્રાદેશિક જળસંગ્રહની સ્થિતિ:

દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ ૨૭,૪૧૨ ક્યુસેક પાણીની આવક સામે ૩૭ હજારથી વધુ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે, જ્યારે ઉકાઈ જળાશયમાં ૧૧,૬૮૯ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલની સ્થિતિએ સરદાર સરોવર, દમણગંગા, ઉકાઈ, કરજણ, ધોડાધ્રોઈ, વણાકબોરી, કડાણા, કેલીયા અને જુજ એમ કુલ ૦૯ જળાશયોમાં ૧,૨૦૦ થી ૨૭ હજાર ક્યુસેક સુધીની ભારે પાણીની आवક નોંધાઈ રહી છે.

 

પ્રદેશવાર જળસંગ્રહ પર નજર કરીએ તો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં સૌથી વધુ ૫૦ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૭ ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૫ ટકા, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૯ ટકાથી વધુ તેમજ કચ્છના ૨૦ જળાશયોમાં સૌથી ઓછો ૨૫ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

(12:03 PM IST)