<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

મોરબીની દીકરી સભઈબેન ગઢવી રચશે નવો ઇતિહાસ : '૧લી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-૨૦૨૬' માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર બનશે ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની 'જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ' યોજનાથી શરૂ થયેલી સામાન્ય ખેડૂત પરિવારની દીકરીની અસાધારણ સફર આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી : મોરબી જિલ્લા અને સમગ્ર રાજ્યનું વધ્યું ગૌરવ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : રમતગમત ક્ષેત્રે ગુજરાતના યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતાના નવા શિખરો સર કરી રહ્યા છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા 'સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત' (SAG) ના સઘન પ્રયાસો અને આધુનિક પ્રોત્સાહક યોજનાઓના પરિણામે છેવાડાના વિસ્તારોની સુષુપ્ત રમત પ્રતિભાઓ અદભુત પ્રગતિ કરી રહી છે. આ વૈશ્વિક સફળતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મોરબીની તેજસ્વી કબડ્ડી ખેલાડી સભઈબેન ગઢવીએ પૂરું પાડ્યું છે. આગામી સમયમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાની "1st કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશીપ 2026" માં ભારતીય મહિલા કબડ્ડી ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામીને તેમણે મોરબી જિલ્લાની સાથે સમગ્ર ગુજરાત રાજ્યનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું છે.

સામાન્ય ખેડૂત પરિવારથી આંતરરાષ્ટ્રીય મંચ સુધીની પ્રેરણાદાયી યાત્રા:
સભઈબેન ગઢવીએ વર્ષ ૨૦૧૮ માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની 'જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ' (DLSS) યોજના હેઠળ નવજીવન વિદ્યાલય-મોરબી ખાતે ધોરણ-૯ માં કબડ્ડી ખેલાડી તરીકે પ્રવેશ મેળવ્યો હતો. ધોરણ-૯ થી ૧૨ સુધીના અભ્યાસ દરમિયાન તેમણે પોતાના અનુભવી કોચ વિજયકુમાર ચૌધરી અને નરસિંહભાઈ રબારીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ કબડ્ડી રમતની અત્યંત કઠિન અને સઘન તાલીમ પ્રાપ્ત કરી હતી. રમત પ્રત્યેનું ઝનૂન, આકરો પરિશ્રમ, શિસ્ત અને સમર્પણ ભાવનાના કારણે તેમણે રાજ્ય કક્ષાએ પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી હતી.

મેદાન પરના તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનના પરિણામે વર્ષ ૨૦૨૨-૨૩ માં તેમને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની 'સ્વામી વિવેકાનંદ બિન-નિવાસી સંવર્ધન કેન્દ્ર યોજના' નો વિશેષ લાભ મળ્યો હતો. ત્યારબાદ તેમની અદ્ભુત ક્ષમતાને ધ્યાને લઈને વર્ષ ૨૦૨૩-૨૪ થી તેઓ 'સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (SAI) ના નેજા હેઠળ રાષ્ટ્રીય કક્ષાનું ઉચ્ચસ્તરીય પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. અગાઉ તેમની ઉત્કૃષ્ટ રમતશૈલીને કારણે 'એશિયન ગેમ્સ-૨૦૨૬' ના ભારતીય મહિલા ટીમના કેમ્પમાં પણ પસંદગી થઈ ચૂકી છે, જે તેમની રમત પ્રત્યેની અદમ્ય નિષ્ઠા દર્શાવે છે.

કબડ્ડી જેવા માટી સાથે જોડાયેલા દેશી ખેલમાં ગુજરાતની કોઈ મહિલા ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષાની કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ તરફથી રમવાની હોય તેવી આ પ્રથમ ઐતિહાસિક સિદ્ધિ છે. રાજ્ય સરકારની રમત વિકાસલક્ષી નીતિઓ અને ગુણવત્તાસભર માળખાકીય સુવિધાઓને લીધે ગ્રામીણ કે નાના શહેરની પ્રતિભાઓ કેવી રીતે વૈશ્વિક મંચ સુધી પહોંચી શકે છે, તેનું સભઈબેન જીવંત ઉદાહરણ બન્યા છે. તેમની આ સિદ્ધિ રાજ્યની અન્ય દીકરીઓ માટે પ્રેરણાસ્રોત બનશે. આ ઐતિહાસિક સફળતા બદલ જિલ્લા વહીવટી તંત્ર, મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારી, નવજીવન વિદ્યાલય પરિવાર અને મોરબી જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા સભઈબેનને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

(1:12 PM IST)