News of Thursday, 30th April 2026
ગાંધીનગરમાં ધારાસભ્ય રીટાબેન પટેલ અને સહાય ફાઉન્ડેશનના રમતોત્સવનું સમાપન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા., ૩૦: શહેરના સેક્ટર-૧૧ સ્થિત રામકથા મેદાન ખાતે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રીટાબેન પટેલ અને સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય ‘રમતોત્સવ-૨૦૨૬' નું ૨૮ એપ્રિલના રોજ ઉમંગભેર સમાપન થયું હતું. ૧ એપ્રિલથી શરૂ થયેલા આ રમતગમતના ઉત્સવમાં સતત ૨૮ દિવસ સુધી ગાંધીનગર શહેર અને ઉત્તર વિધાનસભાના નાગરિકો તેમજ રમતપ્રેમીઓએ અદમ્ય ઉત્સાહ સાથે ભાગ લઈ ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલે સતત ચોથા વર્ષે સફળતાપૂર્વક યોજાયેલા આ આયોજનમાં સહભાગી થયેલા તમામ ખેલાડીઓ અને દરરોજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓનું પ્રોત્સાહન વધારનાર દર્શકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે આ મહોત્સવને સફળ બનાવવા માટે રાત-દિવસ મહેનત કરનાર પ્રત્યેક સ્વયંસેવકની કામગીરીને બિરદાવી હતી. આ રમતોત્સવમાં GNPL નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૨૬૮૫, વોલીબોલમાં ૨૬૪, રસા ખેંચમાં ૫૬૨, કબ્બડીમાં ૧૫૬, ચેસમાં ૨૧૮, કેરમમાં ૨૧૪, લીંબુ ચમચીમાં ૫૬૮, કોથળા દોડમાં ૪૬૧, સંગીત ખુરશીમાં ૫૯૬ સહિત ૫૭૨૪ જેટલા નાગરિકો સહભાગી થયા હતાં. મહિલાઓને તમામ રમતોમાં નિઃશુલ્ક પ્રવેશ અપાયો હતો.
રમતોત્સવના સમાપન સમારોહમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડો.આશિષકુમાર દવે, સહાય ફાઉન્ડેશનના પ્રમુખ જીગરભાઈ પટેલ, ડે. મેયર નટવરજી ઠાકોર, સ્ટે. કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ સહિત આગેવાનો, અગ્રણીઓ, ભાજપા કાર્યકર, સહાય ફાઉન્ડેશનના સભ્યો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. મંચસ્થ મહાનુભાવોએ વિવિધ રમતના વિજેતાઓને ઇનામો, ટ્રોફી, મોમેન્ટો અને સર્ટિફિકેટ એનાયત કર્યા હતાં. ક્રિકેટમાં વિજેતા ટીમ ટ્રોફી સાથેને ૧,૨૧,૦૦૦ અને રનર્સઅપ ટીમને ૫૧,૦૦૦નું ઇનામ અપાયું હતું.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
