<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

ડેસરમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ: વાડામાં બોલાવી વારંવાર લંપટ પ્રેમીએ આચર્યું પાપ, ભગાડી ગયા બાદ પોલીસ ફરીયાદ!

પીપલછઠના આરોપી અજય હરીજને પ્રેમજાળમાં ફસાવી સગીરાનું આચર્યું અપહરણ: ડેસર પોલીસે બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીને દબોચવા ચક્રો ગતિમાન કર્યા

વડોદરા : વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સગીરાઓને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શોષણ કરવાની એક અત્યંત શરમજનક અને ચકચારજનક ઘટના સામે આવી છે. લગ્ન કરવાની ઝાંઝવા જેવા વચનો આપીને એક સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ તેને ભગાડી જનાર નરાધમ પ્રેમી સામે અંતે ભોગ બનનારના પરિવારે હિંમત દાખવીને ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપી વિરુદ્ધ બળાત્કાર, અપહરણ અને પોક્સો (POCSO) એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 

મળતી વિગતો અનુસાર, ડેસર તાલુકાના પીપલછઠ ગામમાં રહેતા અજય હરીજન નામના યુવકનો ગત મે મહિનામાં વિસ્તારની એક સગીરા સાથે પરિચય થયો હતો. શાતિર અજયે સગીરાને પોતાની મીઠી-મીઠી વાતોમાં ભોળવીને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી અને તેની સાથે લગ્ન કરી લેવાની ખોટી લાલચો આપી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ તે સગીરાને તેના જ ઘરની પાછળ આવેલા વાડામાં મળવા બોલાવતો હતો અને તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી હવસનો શિકાર બનાવતો હતો.

 

રાત્રિના અંધારામાં ભગાડી ગયો, પરિવારે પોલીસના દરવાજા ખટખટાવ્યા

 

હવસખોર આરોપી આટલેથી જ ન અટકતાં ગત ૧૮ સપ્ટેમ્બરના રોજ રાત્રિના આશરે ૧૧ વાગ્યે સગીરાને મળવા બોલાવી હતી અને ત્યાંથી તેનું અપહરણ કરીને અજાણ્યા સ્થળે ભગાડી ગયો હતો. ગુપ્ત સ્થળે લઈ ગયા બાદ પણ આરોપીએ સગીરા સાથે મરજી વિરુદ્ધ અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હતા. બીજી તરફ દીકરી અચાનક ગુમ થઈ જતાં ચિંતાતુર પરિવારે શોધખોળ હાથ ધરતાં સમગ્ર કાળી કરતૂતનો પર્દાફાશ થયો હતો. દીકરીને પીપલછઠનો અજય જ ભગાડી ગયો હોવાની ખાતરી થતાં પરિવારે ડેસર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગુનો નોંધીને પીડિત સગીરાને મુક્ત કરાવવા અને આરોપીને દબોચી લેવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

(7:18 PM IST)