<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

હવામાન વિભાગ દ્વારા આગામી ૩ કલાક માટે અતિભારે વરસાદનું નાઉકાસ્ટ જાહેર : સુરત, નવસારી, વલસાડ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ૪૧ થી ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે આભ ફાટવાની આશંકા : વીજળી પડવાની ૬૦% થી વધુ સંભાવના

ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે નીચાણવાળા વિસ્તારો જળબંબોળ થવાની અને તમામ મુખ્ય રસ્તાઓ બંધ થવાની ભીતિ : વડોદરા, રાજકોટ, પોરબંદર સહિતના ભાગોમાં મધ્યમ જ્યારે અમદાવાદ અને ગાંધીનગર પંથકમાં હળવા ઝાપટાં પડવાની હવામાન કેન્દ્રની આગાહી

  અમદાવાદ:   ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કાર્યરત અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા તારીખ ૦૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે આગામી ૩ કલાક માટેનું અત્યંત મહત્વનું 'નાઉકાસ્ટ' બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા જારી કરાયેલી આ સત્તાવાર ચેતવણી અનુસાર, રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન ફૂંકાવાની પૂરેપૂરી સંભાવના છે, જેના કારણે વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

 

 આ જિલ્લાઓમાં તૂટી પડશે આકાશી આફત - રેડ એલર્ટની સ્થિતિ:

હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન મુજબ, આગામી ૩ કલાક દરમિયાન પ્રતિ કલાક ૧૫ મીમીથી વધુની ઝડપે અતિભારે વરસાદ અને મધ્યમ સ્તરના વાવાઝોડાની તીવ્ર શક્યતા છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ ૪૧ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાક (ઝટકા સાથે) રહેવાની ધારણા છે. આ ગંભીર અસર હેઠળ આવતા વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના   સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી   તેમજ સૌરાષ્ટ્રના   ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવ  નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં જમીન પર વીજળી ત્રાટકવાની સંભાવના ૬૦ ટકાથી પણ વધુ (હાઈ પ્રોબેબિલિટી) દર્શાવવામાં આવી છે.

 

 મધ્યમ અને હળવો વરસાદ ધરાવતા જિલ્લાઓની યાદી:

ભારે વરસાદ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારો માટે પણ હવામાન કેન્દ્ર દ્વારા નીચે મુજબની અગાહી કરવામાં આવી છે:

  મધ્યમ વરસાદની આગાહી (<૫ થી ૧૫ મીમી/કલાક):   ૪૧ થી ૬૦ કિમીની ઝડપે ફૂંકાનારા પવન અને વીજળી પડવાની ૩૦% થી ૬૦% મધ્યમ સંભાવના સાથે   ભરૂચ, તાપી, નર્મદા, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ અને બોટાદ   જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદ વરસી શકે છે.

  હળવા વરસાદની આગાહી (<૫ મીમી/કલાક):   જ્યારે ૪૦ કિમીથી ઓછી ઝડપના પવન અને વીજળી પડવાની ૩૦% થી ઓછી નહિવત સંભાવના સાથે   કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા   જિલ્લામાં હળવા ઝાપટાં પડવાની શક્યતા છે.

 

 ભારે વરસાદના પગલે થનારી સંભવિત અસરો અને નુકસાનની વિગત:

હવામાન વિભાગે અતિભારે વરસાદ ધરાવતા વિસ્તારો માટે માર્ગદર્શિકા જાહેર કરતાં જણાવ્યું છે કે, આ આકાશી આફતને કારણે મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે:

૧. શહેરોના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પાણી ભરાવાના કારણે બંધ થઈ શકે છે, જેનાથી તમામ રૂટો પર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે.

૨. આકાશમાંથી ત્રાટકનારી વીજળીના કારણે માનવ મૃત્યુ થવાનું જોખમ રહેલું છે. રેલ્વે ટ્રેક, નદી અને નાળાઓની આસપાસ વસતા ઝૂંપડપટ્ટીના વિસ્તારોને ગંભીર અસર પહોંચશે.

૩. મ્યુનિસિપલ સેવાઓ જેવી કે પાણી અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની સંભાવના છે. ખૂબ જૂની અને જર્જરિત ઈમારતો ધારાશાહી થઈ શકે છે, તેમજ તેજ પવનને કારણે વૃક્ષો, ડાળીઓ અને હોર્ડિંગ્સ નીચે પડી શકે છે.

૪. ગટર વ્યવસ્થામાં કચરો ભરાઈ જવાથી પાણી ભરાવાની મોટી સમસ્યા થશે અને સોલાર એનર્જીના ઉત્પાદનને પણ મોટો ફટકો પડશે.

૫. ખેતીવાડી ક્ષેત્રે પૂર અને જમીનના ધોવાણને કારણે પાકને વ્યાપક નુકસાન થશે તેમજ પશુધનની હાનિ થવાથી અર્થતંત્ર અને આજીવિકા પર ગંભીર અસર થવાની સંભાવના છે.

 

હવામાન વિભાગ દ્વારા તમામ નાગરિકોને આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવા, સુરક્ષિત આશ્રયસ્થાનોમાં રહેવા અને પશુધનને સલામત સ્થળે ખસેડવા ખાસ અપીલ કરવામાં આવી છે.

(1:26 PM IST)