News of Tuesday, 2nd June 2026
નવસારીમાં મેઘરાજાની તોફાની બેટીંગ : વહેલી સવારથી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ: અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ
વરસાદ અને ભારે પવનના કારણે વિજલપોર, રૂસ્તમવાડી, શાંતાદેવી રોડ, સ્ટેશન રોડ અને મિથિલા નગરી જેવા વિસ્તારોમાં સતત 3 કલાક સુધી અંધારપટ

ગજરાતમાં વરસાદની આગાહી વચ્ચે નવસારીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. નવસારી જિલ્લામાં જૂન મહિનાના પ્રારંભમાં જ વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારે 3 વાગ્યે ગાજવીજ અને તેજ પવન સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે નવસારીવાસીઓને સોમવારના અસહ્ય ઉકળાટ અને બફારામાંથી મોટી રાહત મળી છે. જોકે, આ વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જતાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વરસાદ અને ભારે પવનના કારણે વિજલપોર, રૂસ્તમવાડી, શાંતાદેવી રોડ, સ્ટેશન રોડ અને મિથિલા નગરી જેવા વિસ્તારોમાં સતત 3 કલાક સુધી અંધારપટ છવાયેલો રહ્યો હતો. રાત્રે 3 વાગ્યે વીજળી ગુલ થતાં બફારા વચ્ચે સ્થાનિક રહીશોની ઊંઘ ઉડી ગઈ હતી અને તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વીજ વિભાગની મેન્ટેનન્સ ટીમ છેક સવારે 6 વાગ્યે સ્થળ પર પહોંચતા સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
જૂન મહિનાની શરૂઆતમાં જ થયેલી આ મેઘમહેરથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી તરફ કેરીના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ચોમાસાના આગમન સાથે જ આ પ્રકારની હવામાન વિભાગની આગાહી સાચી પડતા ખેડૂતો હવે આગામી દિવસોમાં પાકની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
