News of Wednesday, 27th May 2026
મેઘરાજા ગરમી શાંત કરશે : ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદ પડશે
બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વડોદરા, અમરેલી અને ભાવનગર સહિતના પંથકોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના : હવામાન ખાતુ

અમદાવાદ : ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાતાવરણને લઈને એક મોટી અને મહત્વની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, કડાકા-ભડાકા અને તીવ્ર ગતિએ ફૂંકાતા ભારે પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદ પડવાની પૂરેપૂરી શકયતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર, આગામી ૩૦ મેથી લઈને ૨ જૂન સુધી રાજ્યમાં હાઈ-ઈન્ટેન્સિટી થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી (વાવાઝોડા સાથે વરસાદ) જોવા મળશે. આ અગાહી અંતર્ગત શરૂઆતના બે દિવસ એટલે કે ૩૦ અને ૩૧ મેના રોજ ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડવાની સાથે ભારે પવન અને વરસાદ ખાબકવાની ચેતવણી આપવામાં આવી છે.
ત્યારબાદ ૧ જૂનના રોજ વરસાદનો વ્યાપ વધશે અને ઉત્તર, મધ્ય તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળશે. આ દિવસે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં પણ તેજ પવન સાથે વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે, જેના લીધે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે.આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના અંતિમ ચરણમાં એટલે કે ૨ જૂનના રોજ પણ મેઘરાજા પોતાની બેટિંગ ચાલુ રાખશે. હવામાન વિભાગના મતે આ દિવસે અમરેલી, ભાવનગર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, નર્મદા અને છોટાઉદેપુર ઉપરાંત દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામશે. વાતાવરણમાં આવનારા આ અચાનક પલટાને પગલે ખેડૂતો પણ પોતાના પાકને સુરક્ષિત કરવા માટે એલર્ટ થઈ ગયા છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
