News of Thursday, 25th June 2026
નર્મદાના સાગબારામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: 24 કલાકમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ, ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા: સાગબારામાં 85 મીમી વરસાદ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે : સુબિર 54 મીમી સાથે બીજા ક્રમે, સવારના બે કલાકમાં જ 45 મીમી તૂટી પડ્યો : દક્ષિણ ગુજરાતના 16 તાલુકામાં વરસાદી ઝાપટા

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૫ : રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા વરસાદી આંકડા મુજબ દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં ચોમાસાએ જોરદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે, જેમાં નર્મદા જિલ્લાનું સાગબારા અને ડાંગ જિલ્લો વરસાદનું મુખ્ય કેન્દ્ર રહ્યા છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સૌથી વધુ 85 મીમી એટલે કે આશરે 3.35 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને સવારે 6 થી 8 વાગ્યાના પ્રારંભિક બે કલાકમાં જ 45 મીમી ભારે વરસાદ તૂટી પડ્યો હતો. બપોરે 2 થી 4 વાગ્યાના ગાળામાં પણ અહીં વધુ 23 મીમી વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતના પ્રકૃતિધામ ડાંગ જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી છે. ડાંગના સુબિર તાલુકામાં 54 મીમી એટલે કે 2.13 ઈંચ વરસાદ સાથે રાજ્યમાં બીજો ક્રમ રહ્યો છે. સુબિરમાં સવારે 6 થી 8 માં 40 મીમી વરસાદ પડ્યો હતો. ડાંગના આહવામાં 46 મીમી એટલે કે 1.81 ઈંચ વરસાદ નોંધાયો છે, જેમાં સવારે 8 થી 10 ના ગાળામાં 28 મીમી વરસાદ ખાબક્યો હતો. વઘઈ તાલુકામાં 20 મીમી એટલે કે 0.79 ઈંચ વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લાના ઉચ્છલમાં 14 મીમી, સોનગઢમાં 11 મીમી, નિઝરમાં 5 મીમી અને કુકરમુંડામાં 3 મીમી વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો હતો. નવસારી તાલુકામાં 14 મીમી, જલાલપોરમાં 4 મીમી અને ગણદેવીમાં 4 મીમી વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટના વીંછીયામાં સાંજે 6 થી 8 ના ગાળામાં 5 મીમી અને બોટાદના ગઢડામાં 3 મીમી વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર તાલુકામાં વહેલી સવારે 5 મીમી, નર્મદાના ચીકદામાં 5 મીમી અને વલસાડના ઉમરગામમાં વહેલી સવારે 3 મીમી વરસાદી ઝાપટું પડ્યું છે.
ચોમાસાના આગમન સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વાવણીની કામગીરીને વેગ મળવાની આશા સેવાઈ રહી છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
