<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

સુરતના પલસાણા વિસ્તારમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:પતિ અને સાસરિયા સામે ગંભીર આક્ષેપો

મૃતક સપનાનો પતિ કથિત રીતે દારૂના નશામાં ઘરે આવીને માનસિક ત્રાસ આપતો સાથે જ સાસુ દ્વારા પણ વારંવાર મહેણાં-ટોણાં મારવામાં આવતા હોવાનો પરિવારનો આક્ષેપ

સુરતના પલસાણા વિસ્તારમાં 23 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મૃતકની ઓળખ સપના નિલેશ નીકમ તરીકે થઈ છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. બનાવની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

 

મૃતકના પરિવારજનોએ સપનાના પતિ સહિત સાસરિયા પક્ષ સામે માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનો આરોપ છે કે પતિ દ્વારા સપનાને મારઝૂડ કરવામાં આવતી હતી અને તેને વારંવાર માનસિક રીતે પરેશાન કરવામાં આવતી હતી.

 

 

પરિવારજનોના જણાવ્યા મુજબ સપનાનો પતિ કથિત રીતે દારૂના નશામાં ઘરે આવીને માનસિક ત્રાસ આપતો હતો. સાથે જ સાસુ દ્વારા પણ વારંવાર મહેણાં-ટોણાં મારવામાં આવતા હોવાનો પરિવારનો આક્ષેપ છે. આ પરિસ્થિતિથી કંટાળીને સપનાએ આ અણધાર્યું પગલું ભર્યું હોવાનો પરિવારનો દાવો છે.

 

 પરિણીતાના મોત બાદ પિયર પક્ષના પરિવારજનોએ પતિ સહિત સાસરિયા પક્ષ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે આ આક્ષેપો કેટલા તથ્ય આધારિત છે તે પોલીસ તપાસનો વિષય છે. હાલ ઘટનાની સંપૂર્ણ હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

 

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના સંજોગો, પરિવારજનોના આક્ષેપો અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે તપાસ કરવામાં આવી રહી છે. સપનાના મોતથી પિયર પક્ષમાં શોકની લાગણી ફેલાઈ છે.

(11:46 AM IST)