News of Monday, 20th April 2026
ગુજરાત સરકારના ડ્રાઈવરોના યુનિફોર્મના રંગમાં મોટો ફેરફાર :ઘાટા બદામી રંગનું પેન્ટ અને આછા બદામી રંગનો શર્ટ પહેરવો ફરજિયાત
સામાન્ય વહીવટી વિભાગ દ્વારા વહીવટી સરળતા અને એકરૂપતા જાળવવા માટે રંગમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો: નવા યુનિફોર્મના અમલ માટે સંબંધિત તમામ વિભાગોને સૂચના અપાઈ

ગાંધીનગર :ગુજરાત સરકારના ડ્રાઈવરોના યુનિફોર્મના રંગમાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે.આ અંગે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ હવે સરકારી ડ્રાઈવરોને ઘાટા બદામી રંગનું પેન્ટ અને આછા બદામી રંગનો શર્ટ પહેરવો ફરજિયાત રહેશે. અત્યાર સુધી ડ્રાઈવરો માટે સ્ટીલ ગ્રે રંગનો શર્ટ અને લાઈટ ગ્રે રંગના પેન્ટનો યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ વહીવટી સરળતા અને એકરૂપતા જાળવવા માટે રંગમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ નવા યુનિફોર્મનો હેતુ ડ્રાઈવરોની ઓળખ વધુ સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે થઈ શકે તે છે. સાથે જ સરકારી વિભાગોમાં એક સમાન અને શિસ્તબદ્ધ છબી ઉભી કરવાનો પણ ઉદ્દેશ છે. આ બદલાવથી ડ્રાઈવરોને ઓળખવામાં સરળતા રહેશે અને કામગીરી દરમિયાન વધુ વ્યાવસાયિક દેખાવ મળશે. નવા યુનિફોર્મના અમલ માટે સંબંધિત તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે. આગામી સમયગાળામાં ધીમે ધીમે જૂના યુનિફોર્મની જગ્યાએ નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તમામ સરકારી વાહનચાલકોને નક્કી કરાયેલા નવા રંગના યુનિફોર્મનું પાલન કરવું ફરજિયાત રહેશે.
આ નિર્ણયને લઈને વહીવટી તંત્રમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. કેટલાક અધિકારીઓનું માનવું છે કે આ ફેરફારથી સરકારી કામગીરીમાં વધુ એકરૂપતા આવશે, જ્યારે કેટલાક તેને માત્ર દેખાવ સંબંધિત બદલાવ ગણાવી રહ્યા છે. સામાન્ય વહીવટી વિભાગનો આ નિર્ણય રાજ્યના વહીવટી તંત્રમાં શિસ્ત અને ઓળખને વધુ મજબૂત બનાવવા તરફનું એક પગલું માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં તેનો અમલ તમામ સરકારી ડ્રાઈવરો પર ફરજિયાત રીતે કરવામાં આવશે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
