<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં મુશળધાર વરસાદને કારણે મધુરૈયા-કાંકરીયા અને ખરચી ઝાંખરી રોડ બંધ

સુરક્ષિત મુસાફરી માટે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર:પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને ધૈર્ય રાખવા અને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નદી-નાળા છલકાઈ ઉઠતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે મહુવા તાલુકા પંચાયત હસ્તકના બે મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

મધુરૈયા - કાંકરીયા રોડ: આ માર્ગ ભારે વરસાદને કારણે ઓવરટોપિંગ થઈ રહ્યો છે. જેથી વાહનોની અવરજવર માટે આ રસ્તો બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

કાની પ્રાયમરી સ્કૂલ - ખરચી ઝાંખરી રોડ: આ માર્ગ પર પણ પાણીનું સ્તર વધી ગયું હોવાથી વાહનચાલકોની સલામતી માટે આ રસ્તો અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે.

વૈકલ્પિક રૂટની માહિતી

મધુરૈયા - કાંકરીયા રૂટના મુસાફરો માટે: વાહનચાલકો વણવાકા – ધામખડી – મધુરૈયા રોડ અથવા મધુરૈયા રોડના અન્ય આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.

કાની - ખરચી ઝાંખરી રૂટના મુસાફરો માટે: સ્થાનિકો અને મુસાફરો માટે મધુરૈયાથી સમરોડ થઈને જતો રોડ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ખુલ્લો રાખવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી વરસાદનું જોર ઓછું ન થાય અને રસ્તા પરથી પૂરના પાણી ન ઉતરે ત્યાં સુધી આ માર્ગો બંધ રહેશે. તંત્ર દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે- પૂરના પાણીમાં વાહન હંકારવાનો પ્રયાસ કરવો જોખમી છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે ફરજિયાતપણે વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરો.

જેવા આ રસ્તાઓ સલામત થશે, તુરંત જ તેને પુનઃ વાહન વ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને ધૈર્ય રાખવા અને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ છે.

(11:51 PM IST)