<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

ગુજરાત ભાડા વિધેયક સામે વકીલોનો ઉગ્ર વિરોધ: સોમવારથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન

ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી કમિશનરને સત્તા સોંપવાના વિવાદિત નિર્ણય સામે ગુજરાત બાર કાઉન્સિલના સમર્થનથી આંદોલન વધુ તેજ બન્યું

અમદાવાદ : ગુજરાત ભાડા વિધેયકને લઈને રાજ્યભરના વકીલોમાં વિરોધ હજુ પણ યથાવત્ છે, જ્યાં અગાઉ બે દિવસની હડતાળ યોજવા છતાં કોઈ નક્કર નિર્ણય ન આવતા હવે વકીલોએ પોતાનું આંદોલન વધુ ઉગ્ર બનાવીને સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની જાહેરાત કરી દીધી છે.

વકીલોનો મુખ્ય વિરોધ નવા કાયદામાં સત્તાઓના વિકેન્દ્રીકરણને લઈને છે, કારણ કે નવા કાયદા અંતર્ગત મહત્વની સત્તાઓ ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી કમિશનરને સોંપવામાં આવી રહી છે, જેને લઈને વકીલોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે અને તેઓ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મજબૂતાઈથી રજૂ કરી રહ્યા છે.

બે દિવસની પ્રતીકાત્મક હડતાળ બાદ પણ સરકાર અને વકીલો વચ્ચે કોઈ સમાધાનકારી નિર્ણય સામે ન આવતા હવે ગુજરાત બાર કાઉન્સિલના સત્તાવાર સમર્થન સાથે રાજ્યભરના વકીલો આ અનિશ્ચિત મુદતની હડતાળમાં જોડાઈ રહ્યા છે.

આ વ્યાપક હડતાળના લીધે રાજ્યભરની વિવિધ અદાલતોમાં ન્યાયિક કામગીરી અને કોર્ટ કાર્યવાહી પર વ્યાપક અસર પડવાની પૂરી શક્યતા છે, ત્યારે હવે આગામી દિવસોમાં સરકાર અને વકીલ સંગઠનો વચ્ચે આ વિવાદના ઉકેલ માટે કઈ બેઠકો યોજાય છે તેના પર સૌની નજર રહેશે.

(11:54 AM IST)