તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
ગુજરાતમાં NPS થી OPS રૂપાંતરણની કામગીરીમાં સીમાચિહ્નરૂપ સફળતા : ૧૯ હજારથી વધુ કેસોનો ઝડપી નિકાલ
રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા પારદર્શક અને અભૂતપૂર્વ વહીવટી કામગીરી : પેન્શન ઓથોરિટી અને કરોડો રૂપિયાના ફાળાનું સુચારુ આયોજન

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા ૧૬ એપ્રિલ, ૨૦૨૫ના રોજ કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવા માટે લેવાયેલા પ્રજાભિમુખ નિર્ણયના અમલીકરણમાં નાણા વિભાગ દ્વારા ઐતિહાસિક સફળતા હાંસલ કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી કેબિનેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ તથા રાજ્ય કક્ષાના નાણા મંત્રી કમલેશભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી છે.
નાણા વિભાગ હેઠળની એનપીએસ (NPS) ઉપાડ શાખા દ્વારા એનપીએસથી ઓપીએસ રૂપાંતરણ, નિવૃત્તિ અને અવસાનના કુલ ૧૯,૨૨૯ કેસોનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે. આ વિશેષ કામગીરી અંતર્ગત કર્મચારીઓના અવસાન અથવા નિવૃત્તિના ૧,૦૩૭ જેટલા ગંભીર અને સંવેદનશીલ કેસોમાં રૂ. ૧૨૪.૦૮ કરોડની પેન્શન ઓથોરિટી સમયસર ઇસ્યુ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત, એનપીએસ સરકારી ફાળા પર પ્રાપ્ત થયેલ રૂ. ૧,૦૧૯.૬૯ કરોડનું વળતર હપ્તે-હપ્તે વિભાજિત કરવાના બદલે એકસાથે સરકારશ્રીના "૦૦૪૯ - વ્યાજની પ્રાપ્તિ" સદરે જમા કરાવીને રાજ્યના બજેટ અને વિકાસ કાર્યો માટે મોટું ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સાથે જ કુલ ૩૨૭ ડિમાન્ડ ડ્રાફ્ટ (D.D.) મારફતે રૂ. ૨,૨૩૦.૨૨ કરોડની માતબર રકમનું જિલ્લા શિક્ષણાધિકારી (DEO), જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) અને શાસનાધિકારીઓને સુચારુ ચુકવણું કરવામાં આવ્યું છે.
વહીવટી સ્તરે નાણાકીય પારદર્શિતા જાળવવા અને ગેરરીતિઓને અટકાવવા માટે ઓથોરિટી અને ડી.ડી. ડિસ્પેચ લેટરમાં ક્યુઆર (QR) તથા બાર કોડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જિલ્લા કચેરીવાર બલ્ક પ્રોસેસિંગ પદ્ધતિ અપનાવીને કામગીરીમાં વિલંબ ન થાય અને સંપૂર્ણ ભ્રષ્ટાચારમુક્ત વહીવટ રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. નાણા મંત્રીઓના કુશળ નેતૃત્વ અને પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કચેરી, ગાંધીનગરના અધિકારીઓ તથા કર્મચારીઓની નિષ્ઠાને કારણે આ વિશાળ હિસાબી કામગીરી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
