News of Monday, 27th April 2026
ઝઘડિયા GIDC બ્લાસ્ટ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવાની પીડિત પરિવારોને ન્યાય અને વળતરની માંગ
મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બેદરકારીથી બે કામદારોના મોત, ૧૪ હજુ ગંભીર : પીડિતો માટે ન્યાય માંગતા પરિવારજનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો : ચૈતર વસાવા :મૃતકોના પરિવારને યોગ્ય વળતર નહીં મળે તો ૩૦મીએ મહાઆંદોલનની ચીમકી

(ભરત શાહ દ્વારા ) નર્મદા :આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર અમે ઊભા છીએ. ૨૩ તારીખના રોજ કંપનીની બેદરકારીના કારણે અહીં બ્લાસ્ટ થયો હતો અને તેમાં ૧૬ જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કંપની મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કર્મચારીઓના કોઈપણ પ્રકારના બિલ ભરવામાં આવ્યા નથી, જેના કારણે બે દિવસ પહેલા એક કર્મચારીનું મૃત્યુ થયું હતું અને આજે બીજા કર્મચારીનું પણ મૃત્યુ થયું છે. હાલમાં ૧૪ જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ છે. અમે તમામ પરિવારજનો સાથે અહીં એટલા માટે ઊભા છીએ કે તેમને ન્યાય મળે, યોગ્ય વળતર મળે અને કંપની મેનેજમેન્ટ તેમની સાથે વાત કરે. પરંતુ આજે પણ કંપની મેનેજમેન્ટ દ્વારા પરિવારજનો સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં આવી નથી. ઉલટાનું, પોલીસનો ઉપયોગ કરીને ખોટી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો અને મૃતકોના પરિવારજનો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. PI દ્વારા સૂચના આપી લાઠીચાર્જ કરાવવામાં આવ્યો અને કેટલાક લોકોને લાઠીઓ મારીને ત્યાંથી દૂર કરવામાં આવ્યા.
આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુ માં જણાવ્યું હતુ કે અમારી લાગણી અને માંગણી છે કે એક ને એક દીકરાઓ ગુમાવનારા આ પરિવારોમાં નાના નાના બાળકો છે અને તેમનો પરિવાર આજે રડી રહ્યો છે. મૃતદેહો બે દિવસથી PM રૂમમાં છે. ત્યારે કંપની મેનેજમેન્ટ તાત્કાલિક યોગ્ય નિર્ણય કરે અને આ પરિવારોને યોગ્ય વળતર ચૂકવે. જો પરિવારોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવે તો અંકલેશ્વર, પાનોલી, દહેજ અને આ વિસ્તારની તમામ GIDCના કામદારોને અમે આહ્વાન કરીએ છીએ કે આવનારી ૩૦ તારીખે આ કંપની પર ભેગા થવા માટેની જાહેરાત કરવામાં આવશે. ૩૦ તારીખે તમામ કામદારો એક દિવસની રજા લઈને આ કંપની પર હાજર થશે અને આ ૧૬ પરિવારના દીકરાઓને ન્યાય મળે તે માટે, મૃત્યુ પામેલા બે કામદારો અને ઘાયલ ૧૪ કામદારોના ન્યાય માટે સૌ પોતાનો સમય આપશે. અમે સૌ પણ ૩૦ તારીખે અહીં હાજર રહીશું
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
