<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

'વિભાજિત વિશ્વને એકતામાં જોડતા મ્યુઝિયમ” ની થીમ સાથે ૧૮ મે ના રોજ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી

પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ દ્વારા રાજ્યમાં ૧૪ મ્યુઝિયમમાં સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક ધરોહરની જાળવણી:વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વોટ્સન મ્યુઝિયમ ખાતે ૩૪ હજાર મુલાકાતીઓએ ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની અનુભૂતિ મેળવી

બાળકોથી લઈને વડીલો સુધી દરેક વયના લોકોમાં દેશના પ્રાચીન ઇતિહાસ, સંસ્કૃતિ અને વિરાસતને જાણવાની વિશેષ જિજ્ઞાસા હોય છે. આ જિજ્ઞાસાને જીવંત અનુભવમાં પરિવર્તિત કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા પ્રાચીન સંગ્રહાલયો નિભાવે છે.

મ્યુઝિયમ માત્ર પ્રાચીન વસ્તુઓનું સંગ્રહસ્થાન નથી, પરંતુ તે માનવ સંસ્કૃતિ, કલા, વિજ્ઞાન અને ઈતિહાસનો જીવંત દસ્તાવેજ છે. સંગ્રહાલય નવી પેઢીને પોતાના વારસાથી પરિચિત કરાવી જ્ઞાન અને પ્રેરણાનું કેન્દ્ર બને છે.
વિશ્વભરમાં દર વર્ષે ૧૮ મેના રોજ “આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો હેતુ સમાજમાં સંગ્રહાલયના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો અને ઇતિહાસ, સંસ્કૃતિ તથા વારસાને સાચવવા માટે પ્રેરણા આપવાનો છે.
વર્ષ ૨૦૨૬ની થીમ
આ વર્ષે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની થીમ “Museums Uniting a Divided World” એટલે કે “વિભાજિત વિશ્વને એકતામાં જોડતા સંગ્રહાલય” રાખવામાં આવી છે. આ થીમનો મુખ્ય સંદેશ એ છે કે, સંગ્રહાલય વિવિધ સંસ્કૃતિ, સમાજ અને પેઢીઓ વચ્ચે સંવાદ, સમજણ, સહિષ્ણુતા અને શાંતિ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજના સમયમાં વધતા સામાજિક વિભાજન અને મતભેદોની વચ્ચે સંગ્રહાલય લોકો વચ્ચે જોડાણ અને પરસ્પર સન્માનનો સેતુ બની શકે છે.
ગુજરાતના સંગ્રહાલય
ગુજરાતમાં અનેક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંગ્રહાલય આવેલાં છે. જેમાં વર્ષ ૧૮૭૭માં સ્થાપિત રાજ્યનું સૌથી જૂનું ભુજનું કચ્છ મ્યુઝિયમ, વર્ષ ૧૮૮૮માં સ્થાપિત રાજકોટનું વોટસન મ્યુઝિયમ, વર્ષ ૧૮૯૫માં સ્થાપિત ભાવનગરનું બાર્ટન મ્યુઝિયમ, મહારાજા સયાજીરાવ ત્રીજા ગાયકવાડ દ્વારા ઈ.સ. ૧૮૯૪માં સ્થાપિત વડોદરા મ્યુઝિયમ, વર્ષ ૧૯૨૮માં વલસાડમાં સ્થાપિત ધ લેડી વિલ્સન મ્યુઝિયમ, જામનગરનું વર્ષ ૧૯૪૬માં સ્થાપિત મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ, વર્ષ ૧૯૪૭માં જૂનાગઢ સ્થિત દરબાર હોલ સંગ્રહાલય તેમજ આઝાદી બાદના બારડોલી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક સંગ્રહાલય, છોટાઉદેપુર મ્યુઝિયમ, પાટણ મ્યુઝિયમ, પ્રભાસ પાટણ મ્યુઝિયમ, શામળાજી મ્યુઝિયમ, વડનગર મ્યુઝિયમ, સાપુતારા ટ્રાઇબલ સંગ્રહાલય સહીત કુલ ૧૪ સંગ્રહાલય રાજ્ય સરકારના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ અંતર્ગત કાર્યરત છે. આ સંગ્રહાલયમાં માત્ર રૂ. ૫ ના ટોકન દરે મુલાકાતીઓને ભારતની સમૃદ્ધ પરંપરા અને ઐતિહાસિક વારસાને નજીકથી જોવા જાણવાની તક પૂરી પાડવામાં આવે છે.  
વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વોટ્સન મ્યુઝિયમ ખાતે ૩૪ હજારથી વધુ લોકો મુલાકાતે આવ્યા
રાજકોટના ઐતિહાસિક વોટ્સન મ્યુઝિયમ ખાતે વર્ષ ૨૦૨૫ અને એપ્રિલ ૨૦૨૬ સુધીમાં ૩૩,૮૮૩ લોકોએ મુલાકાત લઇ ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની અનુભૂતિ મેળવી હોવાનું ક્યુરેટર શ્રી સિધ્ધાબેન શાહે જણાવ્યું છે.
વિશેષમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ૨૦૨૬ની ઉજવણી નિમિત્તે, વલ્લભીપુર ઉત્ખનનમાંથી મળી આવેલા તાંબાના સિક્કા, સીલ (મહોર), શંખની બંગડીઓ સહિતની પ્રાચીન વસ્તુઓ અને મહત્વપૂર્ણ શોધો પ્રદર્શિત કરતું એક વિશેષ ફોટો પ્રદર્શન વોટસન મ્યુઝિયમ ખાતે આયોજિત કરવામાં આવશે.
આ પ્રદર્શનનો હેતુ સાઇટ પરથી મળી આવેલી નોંધપાત્ર પુરાતત્વીય શોધોનું વ્યવસ્થિત ફોટો એક્ઝિબિશન યોજીને લોકોને આપણી પ્રાચીન સાંસ્કૃતિક વિરાસતના વૈભવથી માહિતગાર કરવાનો હોવાનું સિધ્ધાબેને જણાવ્યું છે. 
વોટ્સન મ્યુઝિયમનો ઈતિહાસ
બ્રિટિશ સામ્રાજ્યની મહારાણી વિક્ટોરિયાના શાસનનાં ૫૦ વર્ષ પૂર્ણ થતાં ઈ.સ.૧૮૮૭માં ‘કૈસરે હિંદ’ ખિતાબની વરણી પ્રસંગે સૌરાષ્ટ્રના રાજવીઓ, પૉલિટિકલ એજન્ટ અને શ્રીમંતોએ ફંડફાળો એકઠો કરી આ મ્યુઝિયમનો પ્રારંભ કરેલો. વર્ષ ૧૮૮૬ થી ૧૮૮૯ સુધી સૌરાષ્ટ્રના પૉલિટિકલ એજન્ટ રહેલા કર્નલ જ્હૉન ડબ્લ્યૂ વૉટ્સનના નામ પરથી આ મ્યુઝિયમનું નામાભિધાન થયું હતું.
જ્યુબિલી ગાર્ડન, રાજકોટ સ્થિત વોટ્સન મ્યુઝિયમ મોહેંજોદરો, કુદરતી ઇતિહાસ, ૧૩ મી સદીની કોતરણી, મંદિરની મૂર્તિઓ,  પરંપરાગત પહેરવેશ અને સ્થાનિક આદિવાસી લોકોના મકાનોની ડિઝાઇનની નકલો દર્શાવે છે. આ મ્યુઝિયમમાં પરંપરાગત, પુરાતત્વીય વસ્તુઓ અને સિક્કાઓનો એક ઉત્તમ સંગ્રહ છે.

(7:14 PM IST)