News of Monday, 23rd November 2026
તારા કારણે છૂટાછેડા થયા, હવે મારી સાથે રહે ૧૭ વર્ષના ભત્રીજાને લઈને ભાગી કાકી
સગીર ૧૫ વર્ષનો હતો ત્યારથી કૌટુંબિક કાકીએ તેની સાથે સંબંધોની મર્યાદા ઓળંગીને અંગત સંબંધો રાખ્યા હતા

અમદાવાદ,તા.૨૩: શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાંથી એક ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. ૧૭ વર્ષના સગીર અને તેની ૩૪ વર્ષની કૌટુંબિક કાકી વચ્ચેના કથિત સંબંધ તથા બ્લેકમેઇલિગનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે, કૌટુંબિક કાકીએ સગીર ૧૫ વર્ષનો હતો ત્યારથી તેની સાથે મર્યાદા ઓળંગી અંગત સંબંધો રાખ્યા હતા. આ મામલે મહિલાના પતિ સાથે વિવાદ થતાં છૂટાછેડા સુધી વાત પહોંચી હતી. ત્યારબાદ મહિલાએ સગીરને તેના કારણે છૂટાછેડા થયા હોવાનું કહી ઈમોશનલ બ્લેકમેઇલ કરી પોતાની સાથે રહેવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે. સગીરના પિતા પુત્રને પરત અમદાવાદ લઈ આવ્યા હતા, પરંતુ મહિલા અમદાવાદ આવી તેને પોતાની સાથે લઈ જતાં મામલો વાસણા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે કલાકો સુધી કાઉન્સેલિગ કરીને બંનેને સમજાવ્યા બાદ મામલો થાળે પાડ્યો હતો. જોકે, આ મામલાની હાલ ઘણી જ ચર્ચા થઈ રહી છે.
મળતી માહિતી મુજબ, એક ગુજરાતી સમાચાર પત્રમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, અમદાવાદના જીવરાજ પાર્કમાં રહેતા એક આધેડને બે પુત્રો છે, જેમાં એક ૧૭ વર્ષનો સગીર છે. પરિવારનું મૂળ વતન અમરેલી જિલ્લાના બાબરા ગામમાં છે. સગીર નાનપણથી બાબરા આવતો-જતો હોવાથી ત્યાં રહેતી તેની ૩૪ વર્ષની કૌટુંબિક કાકી સાથે પરિચય હતો. આક્ષેપ છે કે, સગીર ૧૫ વર્ષનો હતો ત્યારથી કૌટુંબિક કાકીએ તેની સાથે સંબંધોની મર્યાદા ઓળંગીને અંગત સંબંધો રાખ્યા હતા. કૌટુંબિક કાકીને બે દીકરીઓ પણ છે. આ અનૈતિક સંબંધની જાણ તેના પતિને થતાં બંને વચ્ચે વિવાદ થયો હતો અને મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો.
થોડા સમય પહેલાં કૌટુંબિક કાકીએ સગીરને અમદાવાદ ફોન કરીને પોતે બાબરાથી અમદાવાદ આવી રહી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેને ઘરની બહાર બોલાવી પોતાની સાથે લઈ ગઈ હતી. આ અંગે જાણ થતાં સગીરના પિતાએ વાસણા પોલીસની મદદ લીધી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે બંનેની ભાળ મેળવી સગીરને પરિવારને સોંપ્યો હતો. જોકે, કૌટુંબિક કાકી સગીરથી દૂર રહેવા તૈયાર ન હોવાનો અને તેને પોતાની સાથે રહેવા દબાણ કરતી હોવાનો આક્ષેપ છે. તેણે સગીરને ધમકી આપી હતી કે, જો તે તેની સાથે નહીં રહે તો તે જીવશે નહીં. એટલું જ નહીં, તેના છૂટાછેડા માટે સગીરને જવાબદાર ઠેરવી તેની સાથે રહેવા દબાણ કરતી હોવાનો પણ આરોપ છે.
પરિવારના જણાવ્યા મુજબ, અગાઉ પણ સગીર ઘરેથી નીકળીને કૌટુંબિક કાકીના ઘરે રહેવા જતો હતો. આ દરમિયાન સામાજિક બદનામીના ડરથી પરિવારજનોએ અગાઉ મામલો ઘરમાં જ પતાવી દીધો હતો. જોકે, ત્યારબાદ પણ સગીર વારંવાર કૌટુંબિક કાકીના ઘરે જતો રહેતો હતો. સગીરે પરિવારને તેની સાથે શારીરિક સંબંધ હોવાની વાત પણ જણાવી હોવાનું સામે આવ્યું છે. સગીરના પિતાએ તેને અમદાવાદ પરત બોલાવી કૌટુંબિક સંબંધો અને આ વર્તનની ગંભીરતા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સગીર કૌટુંબિક કાકી સાથે રહેવાની જીદ કરતો હોવાથી પિતાએ કડકાઈથી સમજાવવો પડ્યો હતો. તેમ છતાં તે પરિવારની વાત માનવા તૈયાર નહોતો.
મામલો પોલીસ સ્ટેશન પહોંચતાં વાસણા પોલીસ દ્વારા ટેકનિકલ વિશ્લેષણ કરીને બંનેની ભાળ મેળવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે અને કાઉન્સેલિગ સ્ટાફે કલાકો સુધી સગીર ભત્રીજા અને કૌટુંબિક કાકીનું કાઉન્સેલિગ કર્યું હતું. સગીરને કૌટુંબિક સંબંધોની મર્યાદા અને તેની સુરક્ષા અંગે સમજાવવામાં આવ્યો હતો, જ્યારે મહિલાને સગીરથી દૂર રહેવા અને તેને હેરાન કે બ્લેકમેઇલ ન કરવા સમજાવવામાં આવી હતી. લાંબા કાઉન્સેલિગ બાદ કૌટુંબિક કાકીએ હવે સગીર ભત્રીજાને હેરાન નહીં કરે કે બ્લેકમેઇલ નહીં કરે તેવી ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે પોલીસની સમજાવટ બાદ મામલો હાલ પૂરતો થાળે પડ્યો છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
