News of Monday, 22nd June 2026
મેં પતિને છૂટ આપી છે કે ગમે તેટલી છોકરી ફેરવ, મને કોઈ ફેર પડતો નથી
ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર દંપત્તી સામે ગુનો દાખલ : લગ્નની લાલચે શરીર સંબંધ બાંધી રૂ.૪૫ લાખ પડાવ્યા, પત્નીએ આપી ધમકી

સુરત તા.૨૨: અમરોલીના યુવકે પરણિત હોવા છતાંય યુવતીને લગ્નની જાળમાં ફસાવી તેની પાસેથી કટકે-કટકે રૂ. ૪૫ લાખ પડાવી લીધા હતા. યુવતીના ન્યૂડ ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ કાંડમાં હદ તો ત્યાં વટાવાઈ હતી કે, યુવકની પત્નીએ પણ તેનો સાથે આપી યુવતી સાથે એફેલ વાતો કરી ધમકાવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પીડિત યુવતીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં મયૂર વાઘજીભાઇ બગડા અને તેની પત્ની ગુંજન મયૂર બગડા (બંને રહે. શીતલ હાઈટસ, અમરોલી, સુરત) વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. જાન્યુઆરી ૨૦૨૫થી શરૂ થયેલી લગ્નની માયાજાળના ખેલમાં મયૂરે યુવતી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. આ વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી તેણે પીડિતા પાસેથી અલગ-અલગ સમયે ૪૫ લાખ રૂપિયા મેળવી લીધા હતા. યુવતી પર અડાજણ વિસ્તારમાં અવારનવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને પીડિતાના ન્યૂડ ફોટા પાડી બ્લેકમેઈલ કરવાનું શરૂ કરાયું હતું. જયારે યુવતીએ પોતાના રૂપિયા પરત માંગ્યા અને લગ્ન માટે દબાણ કર્યું. ત્યારે મયૂરની પત્ની ગુંજન પણ આ ગુનામાં જોડાઈ ગઈ હતી. ગુંજને પીડિતાને ફોન પર ધમકાવતા જણાવ્યું હતું કે, મયૂર તારી સાથે લગ્ન કરવાનો નથી, તારે મરવું હોય તો મરી જા.
મેં જ મારા પતિને છૂટ આપી છે કે તું ગમે તેટલી છોકરીઓ ફેરવ, મને કોઈ ફેર પડતો નથી. જો પોલીસમાં જઈશ તો તને જીવતી નહીં રહેવા દઉં. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા અમરોલી પોલીસે આવાસ ચોકીના પીએસઆઈ ડી.એ. રાઠોડે દંપતી સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
