News of Sunday, 31st May 2026
થરાદ APMCમાં જણસીની ભારે આવકઃ 22 હજાર બોરી પાકને વરસાદથી બચાવવા વેપારીઓ એલર્ટ
બનાસકાંઠામાં અનાજની ધૂમ આવક પણ વરસાદી માહોલથી ચિંતા

અમદાવાદઃ ગુજરાતભરમાં કમોસમી વરસાદી વાતાવરણ જામ્યું છે અને અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. આવા માહોલ વચ્ચે બનાસકાંઠાના વાવ-થરાદ પંથકની સૌથી મોટી થરાદ એપીએમસીમાં અનાજની ભારે આવક નોંધાઈ રહી છે. રોજની 20 થી 22 હજાર બોરી જણસી બજારમાં આવી રહી હોવાથી, સંભવિત વરસાદથી પાકને બચાવવા માટે એપીએમસી પ્રશાસન અને વેપારીઓ યુદ્ધના ધોરણે સજ્જ બન્યા છે.
થરાદ માર્કેટ યાર્ડમાં અત્યારે બાજરી, ઇસબગુલ અને રાયડો સહિતના પાકોની બમ્પર આવક થઈ રહી છે. ગુજરાતના સ્થાનિક ખેડૂતો ઉપરાંત પાડોશી રાજ્ય રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો સારા ભાવોની આશાએ પોતાની જણસી વેચવા થરાદ એપીએમસી ખાતે આવી રહ્યા છે. માર્કેટમાં અનાજની અસાધારણ આવકને કારણે યાર્ડના શેડ અને ખુલ્લા મેદાનો બોરીઓથી ઉભરાઈ ગયા છે.
હવામાન પલટાને જોતાં એપીએમસીના ચેરમેન અને સત્તાધીશોએ તમામ વેપારીઓને માલ સુરક્ષિત રાખવા માટે કડક સૂચનાઓ આપી દીધી છે. વેપારીઓએ પણ તકેદારીના ભાગરૂપે ખુલ્લામાં પડેલી હજારો બોરીઓને વરસાદી પાણીથી બચાવવા માટે મેણીયા અને તાડપત્રીથી સુરક્ષિત કવચ આપી દીધું છે. એપીએમસી દ્વારા પણ ખેડૂતોના માલને યાર્ડના મોટા પાકા શેડની અંદર ખસેડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બજારમાં આવેલી જણસી વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી ખરીદી લેવામાં આવી હોવાથી હાલ ખેડૂતો ચિંતામુક્ત છે, પરંતુ વેપારીઓની ચિંતામાં મોટો વધારો થયો છે. વેપારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જો અચાનક ધોધમાર વરસાદ તૂટી પડશે, તો ખરીદાયેલા માલમાં મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને બાજરી અને ઇસબગુલ જેવા સંવેદનશીલ પાકો પલળી જવાથી ભારે આર્થિક ફટકો પડવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
